નવી દિલ્હીઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત છ કેન્દ્રીય પ્રધાનોએ કૃષિ બીલ પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પત્રકાર પરિષદમાં સંરક્ષણ પ્રધાન ઉપરાંત પ્રકાશ જાવડેકર, પ્રહલાદ જોશી, પિયુષ ગોયલ, થાવર ચંદ ગેહલોત અને મુખ્તાર અબ્બાસ નકવી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યસભામાં રવિવારે બે કૃષિ બિલને પસાર કરવામાં આવ્યા હતા.
રાજનાથ સિંહે કહ્યું કે આજે રાજ્ય સભામાં જ્યારે કૃષિ સંબંધિત બે ખરડા પર ચર્ચા ચાલી રહી હતી, તે સમયે જે પણ બન્યું તે અત્યંત દુઃખદ, દુર્ભાગ્યપૂર્ણ અને અત્યંત શરમજનક છે.
તેમણે કહ્યું કે, આ બંને બીલથી એપીએમસી કે એમએસપી સમાપ્ત નથી થઇ રહી. આ પહેલા પણ અમારી સરકારે એમએસપી વધાર્યો છે અને ખેડૂતોની આવક ડબલ કરવાનું જે અમે વચન આપ્યું હતું, તે લક્ષ્ય સુધી પણ ઘણી હદે અમે સફળ રહ્યા છીએ.
તેમણે વધુમાં કહ્યું કે રાજ્યસભાના ઉપાધ્યક્ષની સાથે આજે જે ઘટના ઘટી છે, તે સમગ્ર દેશે જોઇ છે. સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ રાખનારા કોઇપણ વ્યક્તિ આજે જે ઘટના બની છે તે ઘટનાથી દુખી થયા હશે.
આ પહેલા સંરક્ષણ પ્રધાને કૃષિ બીલો પર પ્રતિક્રિયા આપી હતી, તેમણે કહ્યું કે આજે રાજ્યસભામાં બે ઇતિહાસીક કૃષિ બીલોને પસાર કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે આ બંને બીલ પસાર થતા ભારતની અન્ન સુરક્ષા મજબૂત થશે અને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં આ એક મોટું અસરકારક પગલું સાબિત થશે. આ કૃષિ સુધારણા માટે તેમણે વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા હતા. તેમજ તેઓએ કૃષિ પ્રધાનનો આભાર માન્યો હતો.
તેમણે કહ્યું કે, તે ખૂબ જ આનંદની વાત છે કે રાજ્યસભામાં કૃષિ ક્ષેત્રમાં વ્યાપક સુધારા માટે સક્ષમ બે બિલ, ખેડુત ઉત્પાદન વેપાર અને વાણિજ્ય બિલ અને ખેડુતો (સશક્તિકરણ અને સુરક્ષા) મૂલ્ય આશ્વાસન અને કૃષિ સેવા સમાધાન બિલને સંસદની મંજૂરી મળી ગઇ છે.