નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદને લઈ તણાવની સ્થિતિ છે. એવામાં આ અંગે ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ કહ્યું કે વર્તમાન સુરક્ષા સ્થિતિ સામાન્ય નથી. અહીં ન તો યુદ્ધની સ્થિત છે કે ન તો શાંતિ છે.
આ સિવાય તેમણે રાફેલના વાયુસેનામાં સામેલ થવા અંગે કહ્યું કે, ચિનુક, અપાચે અને અન્ય વિમાનો સહિત રાફેલનું વાયુ સેનામાં સામેલ થવાથી વાયુસેના મજબુત બની છે અને રણનીતિક ક્ષમતા પણ વધી છે.
વધુમાં વાયુસેનાના પ્રમુખે ઉમેર્યુ કે, આપણી સેના કોઈ પણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે પુરી રીતે તૈયાર છે. વાયુસેના કોઈ પણ કાર્વાહીનો વળતો જવાબ આપવા સક્ષમ છે. તેમજ તેમણે ઉમેર્યુ કે, ભવિષ્યમાં થનારા કોઈ પણ સંઘર્ષમાં વાયુશક્તિ આપણી જીતમાં મહત્વની ભુમિકામાં રહેશે.
આપના જણાવી દઈએ કે હાલ ભારત અને ચીન વચ્ચે સંઘર્ષ જેવી સ્થિતિ છે. અગાઉ ચીની સેનાએ હિંસા પણ કરી હતી, જેમાં આપણા કેટલાક જવાનો શહીદ થયા હતાં. જોકે આ મુદ્દાનુ નિરાકરણ લાવવા બંને દેશની સેનાના પ્રમુખ વચ્ચે અનેક વખત બેઠક યોજવામાં આવી છે. પંરતુ હજી સુધી સ્થિત એની એ જ છે.