નવી દિલ્હીઃ અમરનાથ યાત્રામાં ચાલુ વર્ષે કોરોના વાઇરસ મહામારીને કારણે દરરોજના વધુમાં વધુ 500 તીર્થયાત્રિકોને જ પવિત્ર ગુફાના દર્શન કરી શકશે. આ અંગે અધિકારીઓએ બુધવારે જાણકારી આપી છે.
જમ્મુ-કાશ્મીરમાં સ્થિત અમરનાથ ગુફા મંદિર અને વૈષ્ણોદેવી મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શનની અનુમતીના મામલે એક ઉચ્ચસ્તરીય બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડી, વડાપ્રધાન કાર્યાલયના રાજ્યપ્રધાન જીતેન્દ્ર સિંહ અને ગૃહપ્રધાન તથા જમ્મુ-કાશ્મીર પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
જો કે, અમરનાથ યાત્રા 21 જુલાઈથી શરૂ થવાની છે. આ બેઠક બાદ એક અધિકારીએ કહ્યું કે, 'ચાલુ વર્ષે અમરનાથ યાત્રામાં કોવિડ-19ને કારણે એક દિવસમાં 500થી વધુ લોકોને મંજૂરી આપવામાં આવશે નહીં. '
જમ્મુ-કાશ્મીરમાં 9 હજાર લોકોના કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યા છે અને લગભગ 145 લોકો સંક્રમિત મળી આવ્યા છે. અધિકારીએ કહ્યું કે, 31 જુલાઈ સુધી વૈષ્ણોદેવી મંદિરમાં જવા પર રોક લગાવવામાં આવી છે.