નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીની સાંસદ આદર્શ ગ્રામ યોજનાની મુહિમ પર સાંસદોએ પાણી ફેરવી નાખ્યું છે. 2019થી 2024માં અમલમાં આવેલી આ યોજનાના બીજા તબક્કામાં 50 ટકા ગામડાઓ દત્તક લેવાયા નથી.
આમ, આ યોજના નિષ્ફળતા તરફ આગળ વધી રહી હોવાથી ગ્રામીણ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરતાં એક પત્ર જાહેર કર્યો છે. જેમાં તેમણે ગામડાઓને દત્તક લેવાની અપીલ કરી છે.
નોંધનીય છે કે, 2019માં ચૂંટાયેલા નવા સાંસદોને ગામને દત્તક લેવાનું પ્રશિક્ષણ અપાવામાં આવ્યું હતું. છતાં સાંસદો ગામડાંને દત્તક લેવાની કોઈ તૈયારી દાખવી રહ્યાં નથી. જેથી ગ્રામીણ વિકાસ મંત્રાલય સાંસદોને ગામડને દત્તક લેવા પ્રેરિત કરી રહ્યું છે.
ગત 19 અને 20 ડિસેમ્બરે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આશરે 250 ગામડાં દત્તક લેવાયા હતાં.
ઉલ્લેખનીય છે કે, 19 ડિસેમ્બર પહેલા નહીંવત્ પ્રમાણમાં ગામડાં દત્તક લેવાયા હતાં. 11 જુલાઈ અને 8 ઓક્ટબરે બેવાર ગ્રામીણ વિકાસ મંત્રાલયે પત્ર દ્વારા અપીલ કરી હતી. જેના પગલે દત્તક લેવાયેલા ગામડાંની સંખ્યામાં વધારો નોંધાયો હતો.
મંત્રાલયના જણાવ્યાનુસાર, ફેબ્રુઆરી સુધી 300 ગામડાંઓ દત્તક લેવાયા હતાં. સ્થાનિક સ્તરે ઓરિએન્ટેશન પ્રોગ્રામ પર સાંસદોને ગામડા દત્તક લેવા માટે પ્રેરિત કરાયાં હતા.
જાણો શું છે આદર્શ ગ્રામ યોજના....
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014થી સાંસદ આદર્શ ગ્રામ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજનાનો મુખ્ય હેતુ છેવાડાના ગામડાઓ સુધી સરકારી યોજનાનો લાભ પહોંચાડીન તેને એક મોડેલ ગામ બનાવવાનો હતો. આ યોજના બે તબક્કામાં ચાલી રહી છે. 2014 થી 2019 ના તબક્કાના અંત પછી હવે 2019 થી 2020 નો તબક્કો શરૂ થયો છે. પરંતુ નવા તબક્કામાં સાંસદો ગામડાઓ અપનાવવામાં અપેક્ષિત રુચિ બતાવી રહ્યા નથી.