શરદ પવાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોઈ શકે છે. વિપક્ષી દળો આ અંગે વિચારી રહ્યા છે. શિવસેનાએ તો આ મુદ્દે તેમનું વલણ પણ સ્પષ્ટ કર્યુ છે. શિવસેનાના પ્રવક્તા અને રાજ્યસભાનાં સાંસદ સંજય રાઉતે સોમવારે કહ્યુ હતું કે, રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના પ્રમુખ શરદ પવારના નામ ઉપર વિચાર થવો જોઈએ.
2022માં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી યોજાશે. રાઉતે અપીલ કરી હતી કે દરેક રાજકીય પક્ષોએ પવારના નામ ઉપર સહમત થવું જોઈએ. તેમણે ઉમેર્યુ હતું કે,' પવાર પાસે રાજકીય અનુભવ છે, કારણે કે તેમણે રાજકારણમાં લાબી ઈનિંગ રમી છે.'
રાઉતે દાવો કર્યો હતો કે, '2022 સુધીમાં તેમની પાસે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને જીતાડવા માટે પર્યાપ્ત સંખ્યાબળ પણ હશે.'
શરદ પવારે જે રીતે વિપક્ષી દળોને એકજૂટ કરી સત્તા હસ્તગત કરી છે તેનાથી શિવસેના તેમનાથી પ્રભાવિત થઈ છે.
પવાર રાજકારણનાં અઠંગ ખેલાડી છે. એક તબક્કે ભાજપે પણ તેમને ગઠબંધન કરવાની ઑફર કરી હતી. પરંતુ તેમણે તેને ઠુકરાવી હતી. પવારે કહ્યું હતું કે, તેમણે વિપક્ષી પક્ષોને વચન આપ્યું છે. આ ઑફર સીધી વડાપ્રધાને આપી હતી.
શિવસેનાએ આ પહેલા તેના ગઠબંધન સહયોગી ભાજપનો વિરોધ કરી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પ્રતિભા પાટીલનું સમર્થન કર્યુ હતું. કારણ કે, તેઓ મહારાષ્ટ્રીયન હતા.