ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં કોઈ પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત ન મળતા હજુ સુધી સરકાર બનાવવાને લઈ કોઈએ દાવો કર્યો નથી.
આ અગાઉ એનસીપીના વરિષ્ઠ નેતા અજીત પવારે કહ્યું હતું કે, શરદ પવાર સોમવારે દિલ્હી જશે. મારી પાસે જાણકારી છે કે, તેમની અને સોનિયા ગાંધી વચ્ચે ફોન પર વાત થઈ હતી. તેઓ દિલ્હીમાં મુલાકાત યોજશે. આ વાત પર ઘણો બધો મદાર રહેશે કે, તેમના વચ્ચે શું વાતચીત થઈ છે.
જણાવી દઈએ કે, અજીત પવાર મહારાષ્ટ્રમાં પૂર્વે કોંગ્રેસ અને એનસીપી સરકારમાં નાયબ મુખ્યપ્રધાન રહી ચૂક્યા છે.
ત્યારે આવા સમયે શિવસેના અને ભાજપ વચ્ચે ચૂંટણી પહેલા થયેલા ગઠબંધનને લઈ પરિણામ બાદ સરકાર બનાવવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. કારણ કે, બંને પાર્ટી વચ્ચે મુખ્યપ્રધાનના પદને લઈ કોકડું ગૂંચવાયેલું છે. આવા સમયે શરદ પવારની ભૂમિકા મહત્ત્વની સાબિત થવા જઈ રહી છે. જો શરદ પવારની પાર્ટી શિવસેનાને ટેકો આપવાનું વિચારે તો કોંગ્રેસ પાર્ટી બહારથી સમર્થન આપી શકે છે.
અમુક પ્રદેશના કોંગ્રેસી નેતાઓનું ત્યાં સુધી કહેવું છે કે, મહારાષ્ટ્રમાંથી ભાજપને સત્તાથી દૂર રાખવા માટે શિવસેનાને સમર્થન આપવું જોઈએ. જો કે, અગાઉ શરદ પવારે કહ્યું હતું કે, અમને વિપક્ષમાં બેસવા માટેનો જનાદેશ મળ્યો છે.
આપને જણાવી દઈએ કે, 24 ઓક્ટોબરે જાહેર થયેલા ચૂંટણી પરિણામમાં ભાજપને 104, શિવસેનાને 56, એનસીપીને 54 અને કોંગ્રેસને 44 સીટ મળી છે.