ભુવનેશ્વર: સુપ્રીમ કોર્ટે પુરીમાં જગન્નાથ રથયાત્રાને લઈને મોટો નિર્ણય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કોરોના વાઇરસથી બચવા સંબંધિત માર્ગદર્શિકા સાથે રથયાત્રા મહોત્સવને મંજૂરી આપી દીધી છે. આ અગાઉ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જગન્નાથ મંદિર મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ ગજપતિ મહારાજા દિવ્યસિંહ દેવ સાથે આ વર્ષે પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે વાત કરી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમીર મોહંતીએ કહ્યું કે, શાહે 1736 થી ચાલી રહેલી રથયાત્રા સાથે સંકળાયેલી પરંપરાની ચર્ચા કરી હતી. તેમણે કહ્યું, 'કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભગવાન જગન્નાથના એકમાત્ર ભક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૂચનાથી ગજપતિ મહારાજ સાથે વાત કરી હતી.’
મોહંતીએ વધુમાં કહ્યું કે, 'મને આશા છે કે, સુપ્રીમ કોર્ટ આ વર્ષે પુરીમાં રથયાત્રા આયોજન કરવા માટે મંજૂરી આપશે.' તેમણે કહ્યું કે અમિત શાહે ઉત્સવ સાથે જોડાયેલી ધાર્મિક ભાવનાઓ વિશે પણ વાતચીત કરી હતી.
આ પહેલા 18 માર્ચે સુપ્રીમ કોર્ટે પુરી રથયાત્રા પર પ્રતિબંધ મૂક્યો હતો. કોરોના મહામારીના કારણે પુરી રથયાત્રા પર પ્રતિબંધ સામે સુપ્રીમ કોર્ટમાં અનેક અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ રથયાત્રા 23 જૂને યોજાવાની હતી, પરંતુ કોરોનાના કારણે સુપ્રીમ કોર્ટે તેને રદ્દ કરી દીધી હતી.