લોસ એન્જેલસ (અમેરિકા): સંશોધકોએ દર્શાવ્યું છે કે, કોરોનાવાઇરસ તેના ટાર્ગેટ સેલ્સના પ્રોટિનને હાઇજેક કરે છે, સંભવિતપણે તેના કારણે તેઓ નજીકના કોશો સુધી પહોંચવા માટે લાંબું, હાથ જેવું એક્સટેન્શન રચે છે અને ઇન્ફેક્શનને વધારે છે. આ શોધ ક્લિનિકલ મંજૂરી પ્રાપ્ત દવાઓની ઓળખ તરફ દોરી જાય છે, જેના કારણે આ પ્રક્રિયાને નિષ્ફળ બનાવી શકાય છે.
EMBLની યુરોપિયન બાયોઇન્ફોર્મેટિક્સ ઇન્સ્ટિટ્યૂટ (EMBL-EBI) તથા અમેરિકામાં યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કો (UCSF) સ્થિત વિજ્ઞાનીઓએ નોંધ્યું હતું કે, કોરોનાવાઇરસ સહિતના વાઇરસ યજમાન કોશોના તંત્ર પર કબ્જો જમાવી દે છે. તેમણે જણાવ્યું હતું કે, કેટલીક વખત આ હાઇજેકિંગ યજમાન કોશોના પ્રોટિન તેમજ એન્ઝાઇમ જેવાં અન્ય મહત્વનાં તત્વોની ગતિવિધિમાં હસ્તક્ષેપ કરે છે.
રવિવારે સેલ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ અનુસાર, વિજ્ઞાનીઓએ કોવિડના ઇન્ફેક્શન પછી ફોસ્ફોરાઇલેશન તરીકે ઓળખાતી એન્ઝાઇમેટિક પ્રક્રિયામાં ફેરફારો દર્શાવતા તમામ યજમાન અને વાઇરલ પ્રોટિન્સનું વિશ્લેષણ કર્યું હતું. તેમણે સમજાવ્યું હતું કે, ફોસ્ફરાઇલેશનમાં કાઇનેસ તરીકે ઓળખાતા એન્ઝાઇમના પ્રકાર દ્વારા પ્રોટિનમાં ફોસ્ફરિલ ગ્રૂપનો ઉમેરો થાય છે, જે કોશથી કોશના પ્રત્યાયન, કોશના વિકાસ અને કોશના નાશ સહિતની કોશની ઘણી પ્રક્રિયાઓના નિયમનમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, યજમાનના પ્રોટિનમાં ફોસ્ફરિલેશનની પેટર્નને અપનાવીને વાઇરસ સંભવિતપણે અન્ય કોશો માટેના તેના પોતાના પ્રસરણને વિકસાવે છે.
તેમણે શોધ્યું હતું કે, વાઇરસ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરનારા 12 ટકા યજમાન પ્રોટિનમાં ફેરફારો થયા હતા. વિજ્ઞાનીઓએ કિનેસિઝની પણ ઓળખ કરી હતી, જે આ ફેરફારોનું નિયમન કરે તે શક્ય છે. તેમણે સૂચવ્યું હતું કે, આ એન્ઝાઇમ્સ વાઇરસની પ્રવૃત્તિને અટકાવવા માટે અને કોવિડ-19ની સારવાર કરવા માટેની દવાઓ માટેનાં સંભવિત નિશાન છે.
"વાઇરસ માનવ કોશોને કોશની સાઇકલના ચોક્કસ પોઇન્ટ પર તેમને વિભાજિત થતા, તેમની જાળવણી કરતા અટકાવે છે. આ સ્થિતિ વાઇરસને નકલ કરતા રહેવા માટે પ્રમાણમાં સ્થિર અને આવશ્યક વાતાવરણ પૂરું પાડે છે," તેમ EMBL-EBI સ્થિત ગ્રૂપ લિડર અને અભ્યાસના સહ-લેખક પેડ્રો બેલ્ટ્રેઓએ જણાવ્યું હતું.
વિજ્ઞાનીઓના મતાનુસાર, અભ્યાસનું અન્ય એક ચાવીરૂપ તારણો એ છે કે, કોવિડથી સંક્રમિત કોશો લાંબું, શાખાયુક્ત વિસ્તરણ અથવા તો ફિલોપોડિયા દર્શાવે છે, જે વાઇરસને શરીરના નજીકના કોશો સુધી પહોંચવામાં અને સંક્રમણને વધારવામાં મદદ કરી શકે છે.
જોકે, સંશોધકોએ જણાવ્યું હતું કે, આ તારણોના સમર્થન માટે વધુ અભ્યાસ હાથ ધરવો જરૂરી છે.
અભ્યાસમાં સંશોધકોએ અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા મંજૂરીપ્રાપ્ત ડઝનબંધ દવાઓની પણ ઓળખ કરી હતી, જે સંબંધિત કિનેસિસને નિશાન બનાવે છે. તેમણે જણાવ્યું હતું કે, આ પૈકીનાં સાત કમ્પાઉન્ડ્ઝ, મુખ્યત્વે એન્ટિકેન્સર અને ઇન્ફ્લામેટરી ડિસીઝ કમ્પાઉન્ડ્ઝે લેબોરેટરીના પ્રયોગોમાં સક્ષમ એન્ટિવાઇરલ પ્રવૃત્તિ દર્શાવી હતી.
"દવાની શોધ માટેના અમારા ડેટા દ્વારા પ્રેરિત અભિગમે દવાઓની નવી શ્રેણીની ઓળખ કરી છે, જે પોતાની મેળે અથવા તો અન્ય દવાઓ સાથેના સંયોજન દ્વારા કોવિડ-19 સામે લડવાની પ્રબળ શક્યતા ધરાવે છે અને તેઓ આ મહામારીનો અંત આણવામાં મદદરૂપ બને છે કે કેમ, તે જોવા અમે ઉત્સાહિત છીએ," તેમ ક્રોગને જણાવ્યું હતું.