નવી દિલ્હીઃ ન્યાયમૂર્તિ એન.વી. રમન્નાની અધ્યક્ષતાવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એક જનહિતની અરજીનો નિકાલ કર્યો છે. આ અરજીમાં સુરક્ષા કર્મીઓ, સફાઈ કામદારોને 24 કલાકની અંદર સુરક્ષા પૂરી પાડવાની માંગણી કરાઈ હતી. આ સિવાય કેન્દ્ર સરકાર 48 કલાકની અંદર તેમના પરિવારની તબીબી તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી. જો કે, કોર્ટે અરજદારને આવી કોઈ ફરિયાદ માટે સંબંધિત રાજ્યની કોર્ટમાં જવા કહ્યું હતું.
સામાજિક કાર્યકર્તા અને દિલ્હી સફાઇ કર્મચારી આયોગના પૂર્વ અધ્યક્ષ હરનમસિંહ વતી વકીલ મહેમૂદ પ્રાચા દ્વારા એક જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. વકીલ પ્રાચાએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કેસ સફાઇ કામદારોને અલગ પેકેજ આપવા જોઈએ. આ સાથે વિશ્વ આરોગ્ય સંગઠનની માર્ગદર્શિકાનું અહીં પાલન કરવામાં આવતું નથી. જેના પર સરકારે ધ્યાન આપવું જોઈએ.
આ અંગે કેન્દ્ર સરકાર વતી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે, આ ખોટા આક્ષેપો છે. ભારતમાં WHOની માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે, સ્વચ્છતા કર્મીઓના આરોગ્ય અંગે યોગ્ય વ્યવસ્થા કાળજી લેવામાં આવી રહી છે. જેથી સર્વોચ્ય અદાલતે અરજદારને કોઈ ફરિયાદ હોય તો સંબંધિત રાજ્યોની કોર્ટમાં જવા કહ્યું હતું.