નવી દિલ્હીઃ પૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન સ્વામી ચિન્મયાનંદને વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે સુપ્રીમ કોર્ટે જટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદનો આદેશ રદ કરતા કહ્યું કે, પીડિતના મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનોની નકલ ચિન્મયાનંદને આપવામાં નહીં આવે.
અલ્હાબાદ હાઈકોર્ટે પીડિતાના નિવેદનોની એક કોપી આરોપી ચિન્મયાનંદને આપવા આદેશ આપ્યો હતો, જેને ગુરૂવારે સુપ્રીમ કોર્ટે રદ કર્યો હતો.
ચિન્મયાનંદ વિરુદ્ધના કેસને દિલ્હી કોર્ટમાં રિફર કરવા માટે બીજી અરજી પર ઉત્તર પ્રદેશ સરકાર અને અન્ય લોકોને નોટિસ ફટકારી હતી. 3 ફેબ્રુઆરીએ હાઇકોર્ટે જાતીય સતામણીના કેસમાં ધરપકડ કરાયેલા ચિન્મયાનંદને જામીન આપ્યા હતા. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં ચિન્મયાનંદના ટ્રસ્ટ સંચાલિત કોલેજમાં એક વિદ્યાર્થિનીએ તેના પર જાતીય સતામણીનો આરોપ મૂકાયો હતો.
ગયા વર્ષે 20 સપ્ટેમ્બરના રોજ ચિન્મયાનંદની ધરપકડ કરવામાં આવી હતી. તેમનો ટ્રસ્ટ શાહજહાંપુર લો કોલેજ ચલાવે છે. પીડિતા એ જ કોલેજમાં અભ્યાસ કરતી હતી. ચિન્મયાનંદ દ્વારા તેના પર કથિત રીતે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. લોની 23 વર્ષીય વિદ્યાર્થિનીએ જાતીય સતામણીનો આરોપ લગાવતો એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. ત્યાર બાદ ઉચ્ચ અદાલતના નિર્દેશ પર ઉત્તર પ્રદેશ પોલીસે ચિન્મયાનંદની ધરપકડ કરી હતી.
અલ્હાબાદ હાઈકોર્ટે 3 ફેબ્રુઆરીએ તેમને જામીન આપ્યા હતા. પીડિતા વિદ્યાર્થી વિરુદ્ધ ફરિયાદ પણ મળી હતી કે તેણે અને તેના મિત્રોએ ચિન્મયાનંદ પાસેથી પાંચ કરોડ રૂપિયા વસૂલવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે પૂર્વ પ્રધાનની મસાજ કરવાનો વીડિયોને જાહેરમાં મુકવાની ધમકી પણ આપી હતી. આ પછી એસઆઈટીએ વિદ્યાર્થીની ધરપકડ પણ કરી હતી.