નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે કોરોના વાઈરસ સંબંઘિત અરજીઓ પર સુનાવણી કરવામાં આવી હતી. જજોની બેંચે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મામલે સુનાવણી કરી હતી. આ અરજીઓમાં ઈરાનથી ભારતીય માછીમારોને પરત લાવવાં, ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈજર સંબંધિત અરજીઓ સામેલ હતી. જેને સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે.
ઈરાનથી ભારતીય માછીમારોને પરત લાવવાં
સુપ્રિમ કોર્ટે ઈરાનથી ભારતીય માછીમારોને પરત લાવવાં અને તેમને આર્થિક મદદ પહોંચાડવાની અરજી પર કોઈ પણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો છે. અદાલતે કહ્યું કે હાલની સ્થિતિને ધ્યાને રાખી સરકારને પગલા લેવા દેવા જોઈએ.
ન્યાયમુર્તિ એન વી રામન, સંજય કિશન કૌલ અને બી આર ગવઈની ખંડપીઠે આ મામલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણીમાં પોતાની વાત રજૂ કરી હતી. તેમણે કહ્યું કે હાલ આ અંગે અમે કોઈ પણ આદેશ નહી આપી શકીએ.
પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ભોજનનો પુરવઠો
કોરોના વાઈરસની મહામારી વચ્ચે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે ભોજનના યોગ્ય પુરવઠાની માંગ કરવામાં આવી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.
પરંતુ આ મામલે પણ કોઈ નિર્ણય આપવાનો અદાલતે ઈન્કાર કર્યો હતો. આ અંગે એસકે કૌલે કહ્યું હતું કે આ એક મહામારી છે જેમાં માનવોનું જીવન સંકટમાં છે. જેથી પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓની સંભાળ થઈ રહી છે કે નહી તે બાદમાં જોશું. તેમ છતાં જો કોઈ સમસ્યા થશે તો સરકાર તેના પર ધ્યાન આપશે.
ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર પર GSTથી છુટ
સુપ્રિમ કોર્ટે ફેસ માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર પર GSTથી છુટ માંગનારી અરજી પણ ફગાવી છે.
કોરોના સિવાયના રોગો પરના તમામ તબીબી ખર્ચમાં રાહત
સુપ્રમિ કોર્ટમાં કોરોના વાઈરસ સિવાઈની બિમારી અને રોગ પર તમામ તબીબી ખર્ચમાં રાહત આપવાની અરજી દાખલ કરવામા આવી હતી. અદાલતે આ અરજી પર પણ કોઈ આદેશ ન આપવાનું જણાવ્યું હતુ.
આમ, કોરોના વાઈરસની મહામારી વચ્ચે આ રોગ સંબંધિત ચાર યાચિકા સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતા. અદાલતે આ ચારેય યાચિકા નકારી કાઢી તેમના પર કોઈ પણ આદેશ આપવાનો ઈન્કાર કર્યો હતો.