નવી દિલ્હી : રાજ્યસભા સાંસદ સંજય સિંહે Etv Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે, સાંસદોના ક્ષેત્રના વિકાસ માટે ડેવલપમેન્ટ ફંડ આપવામાં આવે છે. પરંતુ જો આ ફંડમાં કાપ મૂકવામાં આવશે તો વિકાસ રોકાઈ જશે. કેન્દ્ર સરકારે નિર્ણય લેતાં પહેલાં સાંસદો સાથે વાત કરવી જોઈતી હતી. સાંસદોના પગારમાં કપાત કર્યો છે, તેનું અમે સ્વાગત કરીએ છીએ, પરંતુ ડેવલપમેન્ટ ફંડમાં કપાતથી ઘણાં ક્ષેત્રોનો વિકાસ અટકી જશે.
વધુમાં સંજય સિંહે જણાવ્યું હતું કે, જો સરકાર આ મામલે ગંભીર હોત તો ઉદ્યોગપતિઓના ટેક્સમાં 1 ટકા ટેક્સ વધારી દીધો હોત. જો સરકારે આ પગલું ભર્યું હોત તો સરકાર પાસે 60થી 70હજાર કરોડ જમા થઈ શકતા હતા, પરંતુ સરકાર ઉદ્યોગપતિઓની હિતેચ્છુ છે.
આ ઉપરાંત સંજય સિંહે જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય ઉપકરણોની ખરીદી માટે ડેવલપમેન્ટ ફંડનો ઉપયોગ થઈ શકતો હતો. જો સરકારે એવો આદેશ આપ્યો હોત કે, દરેક સાંસદે ફંડમાંથી 2 વર્ષ સુધી ફક્ત સ્વાસ્થ્ય ઉપકરણો પાછળ ખર્ચ કરવાનો છે, તો દરેક સાંસદ પોતાના ક્ષેત્રમાં આવેલા હૉસ્પિટલમાં આ ઉપકરણો આપવા સક્ષમ બન્યો હોત.