નવી દિલ્હી: સબરીમાલા કેસમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શરદ અરવિંદ બોબડેની અધ્યક્ષતાવાળી સર્વોચ્ચ અદાલતની 9 જજોની ખંડપીઠે 7 પ્રશ્નો નક્કી કર્યા છે.
- ધાર્મિક સ્વતંત્રતા અને ધાર્મિક સંપ્રદાયોની માન્યતા વચ્ચે શું સંબંધ છે?
- શું ધાર્મિક સંપ્રદાય મૂળભૂત અધિકારોને આધિન છે?
- ધાર્મિક સ્વતંત્રતાના વ્યવહારમાં 'નૈતિકતા' શું છે?
- ધાર્મિક બાબતોમાં ન્યાયિક સમીક્ષાનો અવકાશ કેટલો છે?
- બંધારણની કલમ 25 (2) (B) હેઠળ 'હિન્દુઓના એક વર્ગ'નો અર્થ શું છે?
- જે વ્યક્તિ ધાર્મિક જૂથ સાથે સંબંધિત નથી, તે જૂથની પદ્ધતિઓને પડકારતી જાહેર હિતની અરજી કરી શકે છે?
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ 50થી વધુ સમીક્ષા અરજીઓ પર વિચારણા કરી રહ્યું છે. આ અરજીઓમાં વિવિધ ધર્મોની મહિલાઓ સાથેના ભેદભાવ અંગે સવાલો ઉભા થયા છે. ગત વર્ષે 14 નવેમ્બરના રોજ સબરીમાલા કેસમાં આપેલા ચૂકાદા દ્વારા વિવિધ ધર્મોની મહિલાઓ સાથેના ભેદભાવનો કેસ મોટી બેન્ચને મોકલવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગુરૂવારે (30 જાન્યુઆરી) કહ્યું હતું કે, કેરળના સબરીમાલા મંદિર સહિત વિવિધ ધર્મો અને વિવિધ ધાર્મિક સ્થળોમાં મહિલાઓ સાથેના ભેદભાવ સંબંધિત કેસમાં 9 ન્યાયાધીશોની બંધારણીય બેન્ચ 3 ફેબ્રુઆરીએ મુદ્દાઓ પર ચર્ચા કરશે. બંધારણીય બેન્ચ મસ્જિદોમાં મહિલાઓના પ્રવેશ, દાઉદી બોહરા મુસ્લિમ સમુદાયની મહિલાઓની એવી (વૈદ્યકીય) શસ્ત્રક્રિયા અને ગૈર પારસી પુરૂષો સાથે લગ્ન કરનારી પારસી મહિલાઓના પવિત્ર અગ્નિ સ્થળ અગિયારીમાં લગ્ન કરવા પર પ્રતિબંધ સાથે જોડાયેલા મુદ્દામાં ચર્ચા કરશે.
જાણો શું છે સબરીમાલા મંદિરનો કેસ?
ગત 30 વર્ષથી કેરળ સબરીમાલા મંદિર સાથે જોડાયેલો વિવાદ ચાલી રહ્યો છે. જો કે, વિવાદ એ વાતનો પણ છે કે, માસિક ધર્મની ઉંમર વાળી મહિલાઓને સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરવાની પરવાનગી આપવામાં આવે કે નહીં. સબરીમાલા મંદિર અંગે માન્યતા છે કે, મંદિરમાં બિરાજમાન ભગવાન અયપ્પા બ્રહ્મચારી હતા અને તેમણે આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું. જેથી માસિક ધર્મની ઉંમરવાળી મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશ શકે નહીં .
2016માં મહિલાઓના પ્રવેશને પ્રતિબંધ લગાવનારી અરજીને SCમાં પડકારવામાં આવી હતી. ઈન્ડિયન યંગ લૉયર્સ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, મહિલાઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ સમાનતા, ભેદભાવ અને બંધારણ દ્વારા આપવામાં આવેલી ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે.