નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના નેતાઓ વિશ્વના ઘણા મોટા આતંકવાદી સંગઠનોના નિશાના પર છે. આતંકવાદીઓ IEED (ઇમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોસિવ ડિવાઇસ) અથવા વિસ્ફોટથી ભરેલી ગાડી (VID)નો ઉપયોગ હુમલા માટે કરી શકે છે. ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) ના તાજેતરના ઇનપુટ મુજબ, મહારાષ્ટ્ર, પંજાબ અને રાજસ્થાન તેમજ પૂર્વોત્તર રાજ્યોમાં આવા હુમલાઓનું જોખમ છે.
IB દ્વારા બહાર પાડવામાં આવેલા ઇનપુટમાં કહેવામાં આવ્યું છે કે, વૈશ્વિક આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા લોકો આગામી દિવસોમાં RSSના નેતાઓ, તેમના કાર્યલય અને પોલીસ સ્ટેશનો પર હુમલાની યોજના બનાવી રહ્યા છે. વિસ્ફોટકોથી ભરેલી કારની મદદથી આગામી દિવસોમાં હુમલો કરી શકે છે. IBએ રાજ્ય સરકારોને આ જોખમને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધુ કડક બનાવવા જણાવ્યું છે.
IBના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું છે કે, સંઘના નેતાઓની સુરક્ષાની મહારાષ્ટ્ર, દિલ્હી, પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને આસામમાં થઈ રહી છે. નોંધનીય છે કે, સંઘના કાર્યકરો પર હુમલાની અનેક ઘટનાઓ બની ચુકી છે. ડિસેમ્બરમાં બેંગ્લુરુમાં CAAના સમર્થનમાં એક રેલીમાં સામેલ થયેલા RSSના કાર્યકર વરુણ બોપલા પર જીવલેણ હુમલો થયો હતો. આ કેસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી હતી. આરોપીઓની ઓળખ મોહમ્મદ ઇરફાન, સૈયદ અકબર, સૈયદ સિદ્દીકી અકબર, અકબર બાશા અને સાદિક ઉલ અમીન તરીકે કરવામાં આવી છે.