અયોધ્યા: કોરોના સંક્રમણને પગલે જાહેર કરવામાં આવેલા દેશવ્યાપી લોકડાઉનમાં નાનામોટા તમામ મંદિરોને બંધ કરી દેવામાં આવ્યા હતા. મંદિરોમા પૂજારીઓ સિવાય કોઈને પ્રવેશ કરવાની મંજૂરી ન હતી.
લાંબા સમય સુધી ચાલેલા લોકડાઉન બાદ હવે ધાર્મિક સંસ્થાનો ખોલવામાં આવ્યા છે. ત્યારે દેશના અનેક મોટા મંદિરોની જેમ અયોધ્યાનું ભવ્ય રામલલા મંદિર પણ ખોલી દેવામાં આવ્યું છે. આ મંદિરમાં સરકારની ગાઇડલાઈન્સ અનુસાર ભક્તોને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જોકે પ્રથમ દિવસે ખૂબ ઓછા શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા.
દર્શનાર્થીઓને હાલ પૂરતો મંદિરમાં પ્રસાદ કે ફૂલો લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જ્યારે રામલલાને ચડાવેલા ભોગને પ્રસાદના રૂપમાં વિતરિત કરવામાં આવી રહ્યો છે.
રામ જન્મભૂમિ પરિસરમાં સમતલિકરણનું કાર્ય શરૂ થવાને પગલે રામલલાની મૂર્તિને અત્યાધુનિક ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ગર્ભગૃહને સંપૂર્ણ એરકન્ડીશન્ડ તેમજ બુલેટપ્રુફ બનાવવામા આવ્યુ છે.