મથુરા: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ નૃત્ય ગોપાલદાસ મહારાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નૃત્ય ગોપાલદાસ મહારાજને સારવાર માટે મેદાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ સત્તાધિકારીઓ પાસેથી ગોપાલદાસ મહારાજના સ્વાસ્થ્ય અંગે ક્ષણે-ક્ષણના અહેવાલો લઈ રહ્યાં છે.
શ્રી કૃષ્ણ જન્મજયંતિ નિમિત્તે ચાર દિવસીય પ્રવાસ પર નૃત્ય ગોપાલદાસ મહારાજ મંગળવારે મોડી સાંજે મથુરા પહોંચ્યા હતા. શ્રી કૃષ્ણ જન્મજયંતી કાર્યક્રમ પછી મોડી રાતે નૃત્ય ગોપાલદાસ મહારાજ મથુરા જંકશનના સીતારામ મંદિરમાં રોકાવા માટે ગયા હતા. ગુરુવારે સવારે નૃત્ય ગોપાલદાસ મહારાજની તબિયત અચાનક કથળી હતી. આ ઘટનાની માહિતી મળતાની સાથે જ આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમાં કોરોનાની પુષ્ટિ કરી હતી.
આ દરમિયાન મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે મહંત નૃત્ય ગોપાલદાસ, તેમના સમર્થકો અને મથુરાના જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી છે. આ સાથે સીએમ યોગીએ મેદંતા હોસ્પિટલના ડોક્ટર નરેશ ત્રિહાન સાથે વાત કરી છે અને મહંત નૃત્ય ગોપાલદાસને જરૂરી તબીબી સુવિધાઓ આપવાનો આદેશ આપ્યો છે.