ન્યૂઝ ડેસ્કઃ મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર રાકેશ મારિયાની પુસ્તક "Let me say it now" ભારે ચર્ચામાં છે. રાકેશ મારિયાએ 26/11 હુમલાના દોષિત અજમલ કસાબ વિશે એક મોટો દાવો કર્યો છે. આ પુસ્તકમાં આતંકવાદી હુમલાની સાથે બીજા અનેક રહસ્યો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ આતંકવાદી હુમલાની તપાસ માટે રાકેશ મારિયા ટીમનું નેતૃત્વ કરી રહ્યાં હતાં. મારિયાના કહેવા પ્રમાણે, લશ્કર-એ-તોયબા એ કસાબને એક હિન્દૂ આતંકવાદી તરીકે સ્થાપિત કરવા માંગતુ હતું.
મારિયાએ પોતાની આત્મકથામાં કહ્યું છે કે, ‘કસાબને જીવતો રાખવાની એ મારી પહેલી પ્રાથમિકતા હતી. કસાબની વિરૂદ્ધ લોકોનો ગુસ્સો ચરમસીમા પર હતો. આ ઉપરાંત, મુંબઇ પોલીસના ઓફિસર પણ આક્રોશમાં હતા. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI અને આતંકી સંગઠન લશ્કર-એ-તોયબા કસાબને કોઇપણ સ્થિતિમાં હટાવવા માંગતા હતા, કારણ કે આતંકવાદી કસાબ મુંબઇ હુમલાનો સૌથી મોટો અને એક જ પુરાવો હતો.’
મારિયાના દાવા અનુસાર, પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI હુમલો કરીને તેને હિન્દુ આતંકવાદ તરીકે સાબિત કરવા માંગતી હતી. અજમલ કસાબની સાથે 10 બીજા આતંકવાદી હતા. 2009માં મુંબઈ પોલીસ દ્વારા ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, તેમની પાસે નકલી આઈ-ડી કાર્ડ હતા, જેમાં તમામ આતંકવાદીઓને હિન્દુ બતાવવામાં આવ્યા હતા. અજમલ કસાબ પાસેથી નકલી આઈ-ડી કાર્ડ મળ્યું હતું, જેમાં તેની ઓળખ દક્ષિણ ભારતના સ્થાનિક સમીર દિનેશ ચૌધરી તરીકેની હતી. અજમલ કસાબ હિન્દુ છે, એ પ્રસ્થાપિત થાય એ માટે કસાબે કાંડામાં દોરો પણ પહેર્યો હતો. જે સામાન્ય રીતે હિન્દુ લોકો પહેરતા હોય છે.
પુસ્તક આવે એ પહેલાં મારિયાએ જણાવ્યું હતું કે, ધરપકડ પછી, "અમે કસાબને શબઘરમાં લઈ ગયાં, જ્યાં 160 લોકોના મૃતદેહ રાખવામાં આવ્યા હતા, ત્યાં બીજા આતંકવાદીઓના પણ મૃતદેહ હતા અને કસાબને પૂછવામાં આવ્યું હતું કે શું આ જ જેહાદ છે. આ જોઈને કસાબને ઉલ્ટીઓ થઈ હતી". મારિયા અનુસાર, પૂછતાછ દરમિયાન કસાબ બેહોશ થવા લાગ્યો હતો, પણ તેને પોતાના કર્યા પર પસ્તાવો નહતો. મુંબઇ હુમલાના દોષિત અજમલ કસાબને 21 નવેમ્બર, 2012ના રોજ પૂણેની યરવડા જેલમાં ફાંસી અપાઈ હતી.