નવી દિલ્હી: આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે વિમાન દ્વારા પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે મોકલવાનો નિર્ણય લીધો છે. આ માટે સંજયસિંહે સાંસદે 34 વિમાન ટિકિટ મજૂરોના નામે બુકિંગ કરાવી છે. બુધવારે બપોરે એક વાગ્યે સંજય સિંહ બિહારથી 33 કામદારોને તેમના નિવાસસ્થાનથી એરપોર્ટ પર લઈ જશે અને ત્યારબાદ તેની સાથે પટના જશે.
પ્રવાસીઓની મદદ કરી…
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહ લોકડાઉન દરમિયાન દિલ્હીમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોની સતત મદદ કરી રહ્યા છે. તેમણે તેમના નિવાસ સ્થાને પ્રવાસી મજૂરો માટે મોટા પ્રમાણમાં ફૂડ પેકેટની વ્યવસ્થા કરી હતી. તે પછી, તેઓ સતત મજૂરોને તેમના વતન મોકલી રહ્યા છે.
41 બસો રવાના કરાઇ છે…
સંજયસિંહે અત્યાર સુધીમાં 41 બસો દ્વારા દિલ્હીમાં ફસાયેલા અન્ય રાજ્યોના પરપ્રાંતિય મજૂરોને પોતાના વતન મોકલ્યા છે. બે દિવસ પહેલા તેમણે બિહારના 10 અલગ-અલગ જિલ્લામાંથી 9 બસ મારફતે મજૂરોને તેમના ઘરે મોકલ્યા હતા અને હવે તે 33 મજૂરોને વિમાનથી પટના મોકલી રહ્યા છે. નોંધનીય છે કે, સંજય સિંહ પોતે પણ મજૂરો સાથે હવાઈ મુસાફરીમાં સામેલ થશે.