જયપુર: ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રમીલાબેન બારા, અભય ભારદ્વાજ અને ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને મેદાનમાં ઉતાર્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં જોડતોડનું રાજકારણ શરૂ થયું છે.
ગુજરાત કોંગ્રેસના 3થી 4 ધારાસભ્યોએ રાજીનામું આપ્યા હોવાની વાત ચર્ચાઈ રહી છે. જેમાં અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, લીંબડીના સોમા ગાંડા પટેલ અને ધારીના જે.વી. કાકડિયા સામેલ છે. જો કે, વિધાનસભામાં સત્ર ચાલી રહ્યું હોવાથી સોમવારે આ અંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગૃહમાં સત્તાવાર જાહેરાત કરી શકે છે.
રાજ્યસભા ચૂંટણીમાં હોર્સ ટ્રેડિંગના ભયના કારણે ગુજરાત કોંગ્રેસે પોતાના 14 ધારાસભ્યોને કોંગ્રેસ શાસિત રાજ્ય રાજસ્થાનના જયપુરમાં મોકલ્યા છે. આ ધારાસભ્યોને જયપુરના શિવ વિલાસ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. આ રિસોર્ટમાં 73 રૂમ બુક કરવામાં આવ્યાં છે. રિસોર્ટમાં ડ્રેસ કોર્ડ વગર પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે અને રિસોર્ટનું બુકિંગ પણ બંધ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ધારાસભ્યો જયપુર ફરવા માટે જઇ શકે છે. જેથી ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને સચાવવાની જવાબદારી કોંગ્રેસ નેતા ડૉ.મહેશ જોશી અને મહેન્દ્ર ચૌધરીને સોપવામાં આવી છે.
રાજસ્થાનના મુખ્ય દંડક મનોજ જોશીએ ગુજરાત ભાજપના 6 ધારાસભ્યોએ જયપુરમાં હોવાના દાવા વિશે કહ્યું કે, ભાજપના ધારાસભ્યો હોય તો પણ, જણાવીશ નહીં, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પર કોંગ્રેસ રોકટોક નથી. બધા ધારાસભ્યોનો મોબાઈલ ફોન શરૂ છે. મનોજ જોશીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તાનાશાહી પ્રમાણે કામ કરીને દેશમાં લોકશાહીને નબળી કરવામાં આવી રહી છે.