નવી દિલ્હીઃ રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ ભાજપમાં જોડાશે નહીં. એક સમાચાર એજન્સી સાથે વાત કરતા સચિન પાયલટે કહ્યું કે, હું ભાજપમાં સામેલ થઈશ નહીં. મંગળવારે સચિન પાયલને પોતાના પદથી દૂર કરવામાં આવ્યા હતાં. જે બાદથી રાજસ્થાનમાં રાજકીય અનિશ્ચિતતાના વાદળો મંડરાઈ રહ્યાં છે. એવી પણ અટકળો હતી કે પાયલટ ભાજપમાં જોડાઈ શકે છે. જો કે, હવે આ અટકળોનો અંત આવ્યો છે.
રાજસ્થાનમાં ચાલી રહેલા પોલિટિકલ ડ્રામામાં સચિન પાયલટને ઉપમુખ્ય પ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ પદથી દૂર કરવામાં આવ્યા છે. જે બાદ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મંગળાવરે સાંજે 7.30 કલાકે મુખ્ય પ્રધાન નિવાસ પર રાજ્ય પ્રધાન મંડળની બેઠક બોલાવી હતી. જે બાદ કેબિનેટની બેઠક શરુ થઇ હતી.
આ બેઠક બાદ પણ બધા પ્રધાન બસોમાં બેસીને હોટલ માટે રવાના થયા હતા. બસમાં ફ્રન્ટ સીટ પર નવનિયુક્ત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોવિંદસિંહ ડોટાસરા નજર આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિક્ટ્રી ચિન્હ પણ બતાવ્યું હતું. સીએમ ગહલોત બસમાં જોવા મળ્યા નહોતા.
ગેહલોત જૂથના દાવા અનુસાર, આ બેઠકમાં બધા પ્રધાન હાજર રહ્યાં હતાં. આ બેઠક શરુ થતા જ સૌથી પહેલા ગોવિંદસિંહ ડોટાસરાને શુભેચ્છા પાઠવવામાં આવી હતી. કેબિનેટ બાદ મંત્રી પરિષદની બેઠક શરુ થઇ હતી, જેમાં હાલની રાજકીય સ્થિતિ પર ચર્ચા ઉપરાંત ભવિષ્યમાં સરકારના રોડમેપનું મથન કરવામાં આવ્યું હતું.