આ બાબતે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું કે, ખેડૂતોની આ સ્થિતી માટે લાંબા સમયથી સત્તા પર રહેલી સરકાર જવાબદાર છે અને નરેન્દ્ર મોદીએ ખેડુતોના હિત માટે ઘણા નિર્ણયો લીધા છે.
લોકસભામાં શૂન્યકાળ દરમિયાન રાહુલે ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, તેમના સંસદીય ક્ષેત્ર વાયનાડમાં દેવુ નહી ભરી શકવાને કારણે બુધવારે એક ખેડૂતે આત્મહત્યા કરી છે અને છેલ્લા દોઢ વર્ષમાં 18 ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
તેમણે કહ્યું કે, ખેડૂતોને દેવા માફી માટે નોટિસ આપવામાં આવી રહી છે. કેરલ સરકારે દેવું વસુલવા પર રોક લગાવવાની વાત કરી હતી, પરંતુ કેન્દ્ર સરકારે આ વાત રિઝર્વ બેન્કને જણાવી નહી.
કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, છેલ્લા પાંચ વર્ષમાં મોદી સરકારે 5.5 લાખ કરોડ રૂપિયા મોટા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે. પરંતુ ખેડૂતોની સાથે તોછડું વર્તન કરી રહ્યા છે.
રાહુલે જણાવ્યું કે, ઘણા દુખ સાથે કહેવું પડે છે. પરંતુ બજેટમાં ખેડૂતોને રાહત આપવા માટેનો કોઇ ખાસ ઉપાય કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે, PM મોદીએ 5 વર્ષ પહેલા ખેડૂતોને વાયદા કર્યા હતા પરંતુ તે સરકારે પુરા નથી કર્યા.
આના વળતા જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, ખેડૂતોની જે હાલત છે તે છેલ્લા અમુક વર્ષોંમાં થઇ નથી. લાંબા સમયથી સત્તામાં રહેલી કોંગ્રેસ સરકારને કારણે ખેડૂતોની હાલત ખરાબ છે.
વધુમાં રાજનાથ સિંહે જણાવ્યું કે છેલ્લા કેટલા વર્ષોમાં ખેડૂતોની આત્મહત્યાના પ્રમાણમાં ઘટાડો થયો છે.