ઓડિશા/ પુરી: આજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાઈ રહી છે. જોકે 2500 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે ભગવાન નિજ મંદિરની બહાર નીકળ્યા છે અને ભક્તો તેમના ઘરમાં છે. કોરોનાની મહામારીને કારણે લોકોને રથયાત્રામાં નહીં જોડાવા અને ઘરમાં જ રહેવાની અપીલ કરવામાં આવી છે.
ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં એવું અનુષ્ઠાન કરવામાં આવે છે, જેમાં ડાહુક સેવાદાર ભગવાનના ભક્તિ ગીત ગાય છે. વર્ષોની આ પરંપરા પૂર્ણ કર્યા બાદ જ ભગવાનની રથયાત્રા શરૂ થાય છે. ડાહુક સેવાદાર ભક્તોમાં ઉત્સાહનો સંચાર કરવા ભક્તિ ગીત ગાય છે. આ પ્રથા આજે પણ એટલી જ પ્રચલિત છે.
જાણીને નવાઈ લાગશે પરંતુ શરૂઆતના દિવસોમાં આ ગીતોની ભાષામાં અભદ્ર શબ્દોનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો. જોકે, સમય જતાં ગીતોની ભાષામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, ડાહુકોની આ સેવાનું પુરીની રથયાત્રામાં મહત્વનું સ્થાન છે. આ વાતનો ઉલ્લેખ શ્રી મંદિરના (જગન્નાથ મંદિર) સંસ્કાર અભિલેખમાં પણ જોવા મળે છે. ડાહુક લોકો કોઈ સામાન્ય સેવાદારો જેવા નથી હોતા. તેમની સેવાનું વિશેષ મહત્વ છે. આ સેવા વંશ પરંપરાગત હોય છે.