દિલ્હી: પૂર્વ દિલ્હીના પોલીસ સ્ટેશન અશોક નગર વિસ્તારમાં કોંડલીમાં 2 પશુઓના અવશેષો મળ્યા બાદ હંગામો થયો હતો. કોંડલી ચોક પાસે અવશેષો મળી આવ્યાના સમાચાર આ વિસ્તારમાં આગની જેમ ફેલાયા હતા. બાદમાં ગૌરક્ષકોએ ઘટના સ્થળે પહોંચી કોંડલી ચોકની નાકાબંધી કરી પોલીસ અને તંત્ર વિરુધ્ધ સૂત્રોચાર કર્યા હતા. જેના કારણે કોંડલી પુલની આજુબાજુના રસ્તાઓ જામ થઈ ગયા હતા અને ઘણા લોકો ફસાયા હતા.
આ અંગે જાણ થતા પોલીસકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને લોકોને સમજાવવા પ્રયત્નો કર્યા હતા. આ પ્રદર્શનમાં સ્થાનિક ભાજપ નિગમના કાઉન્સિલર રાજીવ કુમાર પણ જોડાયા હતા.
વિરોધ કરી રહેલા ગૌરક્ષકોનું કહેવું છે કે હિન્દુ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે અને ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક જેહાદીઓ જાણી જોઈને આવા કૃત્યો કરી રહ્યા છે અને ઇરાદાપૂર્વક હિન્દુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડે છે. ગૌરક્ષકોએ માગ કરી છે કે, આરોપીઓની વહેલી તકે ધરપકડ કરવામાં આવે.
આ અંગે રાજીવ કુમારે કહ્યુ કે વિસ્તારમાં આવી ઘટના સતત બની રહી છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હોવા છતાં પણ આરોપીઓને પકડવામાં નથી આવી રહ્યા.