નવી દિલ્હી: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ ઉત્તરપ્રદેશની બહુ ચર્ચિત વારાણસી સીટ પરથી ચૂંટણી ન લડવા પાછળનું કારણ જણાવ્યું હતું કે, UPમાં 41 સીટ છે. જેના માટે મારે પૂર્ણ જોર લગાવવાનું છે. અમારે હજુ ઘણો પ્રચાર કરવાનો બાકી છે અને એક જગ્યા પર રહીને એ કરવું શક્ય નથી.
તમને જણાવી દઇએ કે, પ્રિયંકા ગાંધી જ્યારે સોનિયા ગાંધીના પ્રચાર માટે પહોંચી હતી ત્યારે મજાકિયા અંદાજમાં કાર્યકર્તાઓને પૂછ્યું હતું કે, "વારાણસીથી લડી લઉં?" આ વાતને વેગ ત્યારે મળ્યો જ્યારે કોંગ્રેસ પ્રવક્તા દીપકસિંહે પ્રિયંકા વાડ્રાનો વારાણસીથી ચૂંટણી લડવાનો દાવો કર્યો. તેમણે જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધીએ વારાણસીથી ચૂંટણી લડવા માટે ધારી લીધુ છે અને એકાદ બે દિવસમાં બનારસથી ઉમેદવારી નોંધાવવા માટેની પ્રક્રિયા શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન પ્રિયંકાએ પણ કહ્યું હતું કે, જો પાર્ટી કહેશે તો હું PM વિરૂદ્ધ જરૂર ચૂંટણી લડીશ.
લોકસભા ચૂંટણીમાં ખાસ કરીને પૂર્વીય ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રિયંકા વાડ્રાને મહત્વની જવાબદારી સોંપી છે.