ઉન્નાવ પહોંચીને પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી અને દુ:ખ વ્યક્ત કર્યું હતું. ત્યાર બાદ તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી.
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ જણાવ્યું કે, પીડિતાના મૃત્યુના સમાચાર મળ્યા બાદ પ્રિયંકા ગાંધી ઉન્નાવ જવા રવાના થયા હતા. પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, પ્રિયંકા ગાંધીએ પીડિતાના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
આપને જણાવી દઈએ કે, પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશના તેમના બે દિવસના પ્રવાસે શુક્રવારે લખનૌ પહોંચ્યા હતા. આ પહેલાં પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, 'હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તે પીડિતાના પરિવારને દુ:ખના સમયમાં હિમ્મત આપે'.
વધુમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, 'એ આપણા સૌની નિષ્ફળતા છે કે, આપણે તેને ન્યાય નથી અપાવી શક્યા. સામાજીક રીતે આપણે સૌ દોષી છીએ, સાથે જ આ ઘટના ઉત્તર પ્રદેશના કથળી ગયેલા કાયદો અને વ્યવસ્થાનો પરિચય કરાવે છે'.
પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે, 'ઉન્નાવની પહેલાંની ઘટનાને ધ્યાનમાં રાખીને સરકારે પીડિતાને તાત્કાલિત સુરક્ષા કેમ આપી નહીં? જે અધિકારીએ ફરિયાદ નોંધવાની મનાઈ કરી હતી તેની સામે શું કાર્યવાહી કરવામાં આવી? ઉત્તર પ્રદેશમાં મહિલાઓ પર વારંવાર જે અત્યાચારની ઘટનાઓ બને છે તેને રોકવા સરકાર શું કાર્યવાહી કરે છે'?
આપને જણાવી દઈએ કે, ઉન્નાવ જિલ્લાના બિહાર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં એક ગામની રહેવાસી 23 વર્ષની દુષ્કર્મ પીડિત યુવતીને ગુરુવારે વહેલી સવારે સ્ટેશન જતા સમયે રસ્તામાં જ પાંચ લોકોએ જીવતી સળગાવી હતી.
આરોપીઓ માંથી બે લોકો વિરુદ્ધ પીડિતાએ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો હતો. લગભગ 90 ટકા દાજી ગયેલી યુવતીને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવી હતી અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન શુક્રવારે રાત્રે 11:30 વાગ્યા આસપાસ તેનું મૃત્યુ થયું હતું.
બીજી તરફ ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવ ઉન્નાવ મામલાને લઈને ઉત્તર પ્રદેશ વિધાનસભાની સામે ધરણા પર બેઠા છે.
ધરણાં પર બેઠેલા અખિલેશ યાદવે મીડિયા સાથે વાતચીત કરી હતી. અખિલેશે કહ્યું કે, આ મામલામાં આરોપીઓને જલદી સજા થવા જોઈએ.