રાષ્ટ્રપતિ કોવિંદે સેન્ટ્રલ હોલમાં સાંસદોને સંબોધિત કર્યા હતા. તેઓ પોતાના ભાષણમાં સરકારની ભાવિ યોજનાઓ, એજન્ડાઓ ઉપર પ્રકાશ ફેંકયો છે. ગુરુવારથી શરુ થનારુ આ સત્ર જુલાઈ સુધી ચાલશે. 4 જુલાઈએ નાણાંપ્રધાન નિર્મલા સિતારમણ આર્થિક સર્વેક્ષણ જાહેર કરશે અને 5 જુલાઈએ બજેટ રજુ કરશે.
સૌપ્રથમ રાષ્ટ્રપતિએ તમામ સાંસદોને શુભેચ્છા પાઠવી હતી. ત્યારપછી વિદેશનીતિ વાત કરતા તેમણે કહ્યુ હતુ કે, કોઈ પણ વ્યક્તિ વિદેશમાં મુશ્કેલીમાં હોઈ છે ત્યારે ભારત તેમની સમસ્યાનુ નિરાકરણ કરે છે. તેમણે જૈવિક ખેતીને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. ગંગા સફાઈના મુદ્દે તેમણે જણાવ્યુ હતુ કે, સરકાર ગંગાને સ્વચ્છ કરવાની દિશામાં કામ કરી રહી છે. સરકાર આ કાર્ય માટે પ્રતિબદ્ધ છે. સરકાર હવા પ્રદુષણને અટકાવવા માટે પણ પ્રયત્નશીલ છે. વન અને પર્યાવરણ સંરક્ષણના મામલામાં સરકાર ગંભીર છે. રાષ્ટ્રપતિએ વધુમાં જણાવ્યુ હતું કે, સરકારે 30 કરોડ લોકો સુધી મુદ્રા લોનનો લાભ પહોંચાડવાનો લક્ષ્ય રાખ્યો છે. દેશમાં વિદેશી મુદ્રા ભંડાર વધી રહ્યો છે. ભારતમાં મેક ઈન ઈન્ડિયાનો પ્રભાવ દેખાય રહ્યો છે. ભારત વિશ્વમાં સૌથી મજબુત અર્થતંત્ર ધરાવતો પાંચમો દેશ છે.
રમત ગમત વિશે વાત કરતાં કોવિંદે કહ્યુ હતું કે, રમત-ગમતમાં ભારતનું પ્રદર્શન ખુબ સારુ રહ્યુ છે. તેમણે પોતાના ભાષણમાં સરકારની ઉપલ્બિધ ગણાવતા કહ્યુ કે, મહિલા અત્યાચારને રોકવા સરકારે કડક પગલા ઉઠાવ્યા છે. ઉજ્જવલા યોજના અંતર્ગત મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળી છે. દેશમાંથી તીન તલાક, હલાલા જેવી કુપ્રથાઓ નાબૂદ કરવી ખૂબ જરુરી છે. તેમણે કહ્યુ હતુ કે, કિસાન આપણા અન્નદાતા છે. તેમની સન્માન રાશિ વધારતા હવે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ ઉપલબ્ધ કરાવી છે. તેમણે દાવો કર્યો હતો કે મારી સરકાર પહેલા દિવસથી જ દેશવાસીઓનું જીવન ધોરણ સુધારવા, કુશાસનથી પેદા થયેલી મુશ્કેલીઓ દુર કરવા અને છેવાડાના માણસ સુધી તમામ સુવિધાઓ પહોંચાડવાના લક્ષ્ય સુધી સમર્પિત છે.
તેમણે કહ્યુ કે તેમની આંકાક્ષાઓ મુજબ જ સશક્ત, સુરક્ષિત , સમૃદ્ધ અને સર્વસમાવેશી ભારતના નિર્માણની દિશામાં આગળ વધી રહ્યા છે. આ યાત્રા સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસની ભાવનાથી પ્રેરિત છે. રાષ્ટ્રપતિએ જણાવ્યુ કે, 21 દિવસમાં જ સરકારે શહિદોના બાળકોને શિષ્યવૃતિ વધારવા સહિતના ઘણા બધા મહત્વના નિર્ણયો લીધા છે.