નવી દિલ્હી: ફેફસાંના ચેપ પછી પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. આર્મીની રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલે આ માહિતી આપી હતી. પ્રણવ મુખર્જીને 10 ઓગસ્ટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને મગજની સર્જરી કરાવી હતી. આ અગાઉ પ્રણવદાનો કોવિડ -19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સારવાર કરતા ડોક્ટરોએ કહ્યું કે, પ્રણવજી હજી પણ વેન્ટીલેટર પર છે. પ્રણવ મુખર્જીના પુત્ર અને પૂર્વ સાંસદ અભિજિત મુખર્જીએ કહ્યું કે, પિતાની સ્થિતિમાં સુધારણાના સકારાત્મક સંકેત છે. હોસ્પિટલે એક નિવેદનમાં કહ્યું છે કે, 'પ્રણવ મુખર્જીની હાલત થોડી ખરાબ થઈ ગઈ છે કારણ કે તેમને ફેફસામાં ચેપ લાગ્યો છે. તેઓ હજી પણ વેન્ટીલેટર પર છે અને નિષ્ણાતોની ટીમ તેની સારવાર કરી રહી છે.
આ અગાઉ અભિજિત મુખર્જીએ ટ્વીટ કર્યું હતું કે, પિતાની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે, 'ડોક્ટરોની સખત મહેનત બાદ હવે મારા પિતાની હાલત સ્થિર છે. તેમની તબીયતમાં સકારાત્મક સંકેતો જોવા મળ્યા છે. હું આપ સૌને વિનંતી કરું છું, જલ્દી જ તેઓ ઠીક થઇ જાય તેવી પ્રર્થના કરો.' મહત્વનું છે કે, પ્રણવ મુખર્જી 2012થી 2017 સુધી દેશના રાષ્ટ્રપતિ રહ્યાં હતાં.