નવી દિલ્હી: માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે ગુરૂવારે હેલ્થ કેર કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ અને સ્વચ્છતા કર્મચારીઓ જેવા પહેલી હરોળના કોરોના કમાન્ડોના યોગદાનને બિરદાવ્યું હતું. માહિતી અને પ્રસારણ પ્રધાને તેમને પ્રશંસા પત્રો આપ્યા હતા.
આ પત્રો પર પ્રધાન અને 40 નાગરિકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, અને તેમને કોરોના કમાન્ડો ડોકટરો, નર્સો, બેન્કરો, સેનિટેશન સ્ટાફ, ટપાલ વિભાગના કર્મચારીઓને સોંપવામાં આવ્યા હતા.
આરોગ્ય અને પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ થયેલી હિંસાના મામલે પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, કોરોના કમાન્ડો સાથે થતી ગેરવર્ણતુક ઓછી કરવા માટે વટહુકમ લાવવામાં આવ્યો છે. કોવિડ-19ના લડવૈયા પર થતા કોઈપણ હુમલાઓ સહન કરવામાં આવશે નહીં. તેથી જ અમે આ પ્રકારના કૃત્યો સામે વટહુકમ લાવ્યા છીએ.
કોવિડ-19 સામેની લડાઈમાં કોરોના કમાન્ડોએ આપેલા યોગદાનની પ્રશંસા કરતા જાવડેકરે જણાવ્યું કે, કોરોના કમાન્ડો નિડર બની કોરોના વાઈરસ સામે લડી રહ્યા છે. આ સાથે પ્રકાશ જાવડેકરે આશા વ્યકત કરી હતી કે, ભારત જીતશે અને કોરોના વાઈરસનો પરાજય થશે.