કાશ્મીરમાં પોસ્ટ પેડ મોબાઈલ સેવા સોમવાર બપોરે 12 વાગ્યાથી પુન:સ્થાપિત કરવામાં આવશે. જમ્મુ-કશ્મીરનો વિશેષ દરજ્જો નાબુદ થયા બાદ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ મોબાઈલ સેવા બંધ કરવામાં આવી હતી. જે 68 દિવસ બાદ ફરીથી સેવા શરૂ થશે. જમ્મુ-કશ્મીરના પ્રિન્સિપલ સેક્રેટરી રોહિત કંસલે આ અંગે જાણકારી આપી હતી.
ખીણમાં ઈન્ટરનેટ સેવા પુન:સ્થાપિત કરાવવા માટે ગ્રાહકોને થોડા સમય સુધી રાહ જોવી પડશે.
એક દિવસ પહેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં પોસ્ટ પેડ મોબાઈલ સેવા પુન:સ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું કે, પોસ્ટ પેડ મોબાઈલ સેવા માટે ગ્રાહકોને યોગ્ય વેરિફિકેશન પણ કરવું પડશે.
ખીણમાં 66 લાખ મોબાઈલ ગ્રાહકો છે. જેમાંથી અંદાજીત 40 લાખ ગ્રાહકો પાસે પોસ્ટ પેડ સુવિધા છે.
પ્રવાસી માટે ખીણને ખુલ્લી મુકવાનો નક્કી કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રવાસ સાથે જોડાયેલા સંગઠનોએ પ્રશાસનને અનુરોધ કર્યો હતો કે, મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં થાય, તો કોઈ પ્રવાસી ખીણમાં આવવાનું પસંદ નહીં કરે.
લેન્ડ લાઇન સેવાઓને 17 ઓગસ્ટના રોજ પુન:સ્થાપિત કરવામાં આવી હતી અને 4 સપ્ટેમ્બર સુધી અંદાજીત 50,000 લેન્ડ લાઇનને પુન:સ્થાપિત કરવાની ઘોષણા કરવામાં આવી હતી.