માનવ સંસાધન વિકાસ મંત્રાલયના જણાવ્યા મુજબ, વડા પ્રધાન સાથે સ્કૂલના વિદ્યાર્થીઓના સંવાદનો આ કાર્યક્રમ પહેલા 16 જાન્યુઆરીએ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. જોકે, પોંગલ અને મકરસંક્રાંતિ જેવા તહેવારોમાં દક્ષિણ ભારતના રાજ્યોની શાળાઓમાં રજા હોવાને કારણે હવે આ કાર્યક્રમ 20 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે રાખવામાં આવ્યો છે.
આ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બોર્ડની પરીક્ષા તેમજ અન્ય વિષયો પર દેશ-વિદેશના વિવિધ ભાગોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે 'પરીક્ષા પર ચર્ચા' 2020 કાર્યક્રમ અંતર્ગત સંવાદ કરશે.
પરીક્ષા પર ચર્ચા 2020 અંતર્ગત ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે એક સ્પર્ધા શરૂ કરવામાં આવી છે, જેના વિજેતાઓને 'પરીક્ષા પર ચર્ચા' કાર્યક્રમમાં ભાગ લેવાની તક મળશે.
તાજેતરમાં જ વડા પ્રધાન મોદીએ પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે, 'પરીક્ષાઓ નજીક આવી રહી છે અને પરીક્ષા અંગે ચર્ચા પણ. ચાલો આપણે બધાં સાથે મળીને તણાવ મુક્ત પરીક્ષા સુનિશ્ચિત કરવા કામ કરીએ'.