વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.15 કલાકે અમદાવાદથી કેવડિયા હેલિપેડ પર પહોંચ્યા હતાં, ત્યાંથી સીધા સરદાર પ્રતિમા પાસે પહોંચ્યા હતાં, ત્યારે વાયુસેનાના હેલીકોપ્ટર દ્વારા પ્રતિમા પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં દેશની જુદી-જુદી 48 જેટલા સુરક્ષાદળોએ શિસ્ત અને સાહસભર પરેડ રજૂ કરી હતી.
વિશાળ જનમેદનીને વડાપ્રધાને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતાં. પુલવામા હુમલાના શહીદ નાસીર અહેમદના ધર્મપત્ની સાઝીયા કૌશલે PMને રાષ્ટ્રીય પોલીસ સ્મારક સ્મૃતિચિહ્નન અર્પણ કર્યું હતું. 200થી વધુ બાળકોએ ગણવેશધારી જવાનોનો સાથે મિલાવી કલાત્મક કવાયત દ્વારા બાળ પેઢીના જુસ્સાને પ્રગટ કર્યો હતો અને સરદાર સાહેબને ભાવાંજલિ આપી હતી.
પીએમ મોદીએ CRPF, BSF, આસામ પોલીસ, IBPT, કર્ણાટક પોલીસ, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા યોજાયેલ રાષ્ટ્રીય એકતા પરેડને સલામી અર્પણ કરી હતી. એકતા પરેડ યોજાયા બાદ વડાપ્રધાનની ઉપસ્થિતિમાં CISF, NDRF, NSG અને ગુજરાત પોલીસ-CRPF દ્વારા દિલધડક ડેમોસ્ટ્રેશન યોજાયા હતાં.
CISF દ્વારા એક ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકી હુમલાને નાકામ બનાવતું, NDRF દ્વારા ભૂકંપ એરિયામાં પહોંચી લોકોને બચાવતું, NSG દ્વારા આતંકી હુમલાને નાકામ બનાવતું લાઈવ ડેમોસ્ટ્રેશન તથા ગુજરાત પોલીસ-CRPF ની મહિલા કર્મીઓ દ્વારા બાઈક રાઈડનું દિલધડક કરતબ રજૂ કરાયું હતું.