નવી દિલ્હીઃ કોરોના મહામારી પર વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તમામ પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન PM મોદીએ કોરોનાને રોકવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરાયેલા ઉપાયો પર પણ ચર્ચા કરી હતી અને તે અંગેના સુજાવો આપ્યા હતા. તેમણે રાજ્ય સરકારોને આશ્વાસન આપ્યું કે, તેમની સાથે કેન્દ્ર છે અને દરેક સંભવ મદદ કરવામાં આવશે.
આ વાતચીત દરમિયાન મોદીએ લૉકડાઉનને ધ્યાને રાખીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે દરેક રાજ્યોના મુખ્યપ્રધાનોને લૉકડાઉનનું કડક રીતે પાલન કરવાની અપીલ કરી છે. આ સાથે જ કહ્યું કે, લોકોને જરૂરી તમામ સામાન પણ પહોંચાડવામાં આવે જેથી કોઇને પરેશાની ન ઉભી થાય.
આ ઉપરાંત મજૂરોના પલાન પર વડાપ્રધાન મોદીએ અપીલ કરી કે, આપણે દરેક સંભવ પલાયનને રોકવું પડશે અને એ માટે દરેક રાજ્ય પોતાની વ્યવસ્થા કરે. મજૂરો માટે શેલ્ટર હોમની સાતે તેમના ખાવા-પીવાની પણ વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે જ મજૂરોને પણ અપીલ કરી હતી કે, તેઓ રસ્તા પર ન નીકળે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ સંકટની ક્ષણમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોનો સમન્વય જરૂરી છે. કેન્દ્ર સરકાર દરેક રાજ્ય સાથે ઉભી છે અને તેમને દરેક જરૂરી મદદ કરવામાં આવશે. આ દરમિયાન PM મોદીએ રાજ્યોને મેડિકલ સુવિધાઓ વિશે પણ ચર્ચા કરી હતી.