નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ હેઠળ એક લાખ કરોડ રુપિયાના ધિરાણની શરૂઆત કરી હતી. વડાપ્રધાને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ 8.55 કરોડ ખેડૂતોના 17,100 કરોડ રુપિયાની છઠ્ઠું લિસ્ટ જાહેર કર્યું છે.
વડાપ્રધાન મોદી આજે ખેડૂતો માટે ઘણી જાહેરાતો કરી હતી. જેમાં કૃષિ વિકાસ માટે એક લાખ કરોડ રૂપિયાનું ભંડોળ જાહેર કર્યુ છે. આ ઉપરાંત પીએમ કૃષિ યોજનાનો છઠ્ઠો હપ્તો પણ આપ્યો હતો. આ હેઠળ સાડા આઠ કરોડ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરાયા છે.
આ દરમિયાન પ્રધાન કિસાન યોજના હેઠળ સહાયતા રકમનું છઠ્ઠુ લિસ્ટ જાહેર કર્યું છે. 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17,100 કરોડ રુપિયા નાખવામાં આવ્યાં છે. કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજના ખેડૂતો માટે ખૂબ જ મદદગાર સાબિત થઇ રહી છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર અને દેશભરના લાખો ખેડૂતો, સહકારી સમિતિઓ અને સામાન્ય નાગરિક સામેલ થયાં છે, કેન્દ્રીય પ્રધાન મંડળે ગત્ત મહિને એક લાખ કરોડના કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોષ બનાવવાને મંજૂરી આપી હતી.
PM મોદીના ભાષણના અંશો
- આજે હળષષ્ઠી એટલે કે ભગવાન બલરામનો જન્મદિવસ છે.
- આજના પવિત્ર દિવસે ખેતી માટે એક લાખ કરોડનું ફંડ આપવામાં આવ્યું છે.
- આ ફંડથી ગામમાં રોજગારીની તક મળશે.
- 8.5 કરોડ ખેડૂતોના ખાતમાં 17 હજાર કરોડ જમા થઈ ગયા છે.
- વચેટીયાઓની કોઈ ભૂમિકા નથી.
- અત્યાર સુધી 75 હજાર કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચુક્યા છે.
- દાયકાઓથી માંગ અને મંથન ચાલી રહ્યું હતું કે, ગામમાં ઉદ્યોગ કેમ નથી ઊભા કરાતા, જેથી ખેડૂતોને તેમનો માલ વેંચવા માટે આઝાદી મળે
- આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ ખેડૂત અને તેની સાથે જોડાયેલા તમામ સવાલોના જવાબ શોધાઈ રહ્યા છે.
- અમે એક દેશ, એક મંડીની યોજના પર કામ કરી રહ્યા છીએ.
- કાયદો બનાવીને ખેડૂતોને મંડી ટેક્સમાંથી મુક્ત કરી દેવાયા છે.
- ખેડૂત ખેતરમાં જ ઉપજનો સોદો કરી શકે છે.
- ખેડૂત હવે ઉદ્યોગોમાં પણ સીધી ભાગીદારી કરી શકે છે.