નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનને યોગ્ય રીતે લાગુ કરવા માટે લશ્કરી દળોને તૈનાત કરવા વિનંતીની કરવામાં આવી છે.
અરજીમાં જણાવ્યા મુજબ, કેટલાક રાજ્યોમાં ટોળાએ લોકડાઉન દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો છે. વહીવટી તંત્રને નાગરિકોના મૂળભૂત અધિકારની સુરક્ષા માટે નિર્ણાયક વ્યૂહરચના અને માર્ગદર્શિકા નિર્ધારિત કરવાની પણ વિનંતી કરવામાં આવી છે.
પીટીશન અનુસાર, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન(સીબીઆઈ) અથવા નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી(એનઆઈએ)એ લોકડાઉન દરમિયાન દેશના જુદા જુદા ભાગોમાં લોકોને એકત્રીત કરવા સંબંધિત કેસોની તપાસ પણ કરવી જોઈએ.
અરજદાર કે. આર. શેનોયે અરજીમાં જણાવ્યું હતું કે, કોરોના વાઈરસને નિયંત્રિત કરવા માટે લોકડાઉનને યોગ્ય રીતે લાગુ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે. જે માટે દરેક રાજ્યમાં લશ્કરી દળોને તૈનાત કરવા આવશ્યક છે. દેશના નાગરિકોના હિત માટે લશ્કરી દળોને શક્ય એટલા ઝડપથી તૈનાત કરવા જોઈએ.
અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિવિધ રાજ્યો દ્વારા લેવામાં આવતા કડક પગલા છતાં પણ આરોગ્ય ક્ષેત્રમાં કાર્ય કરતા લોકો અને પોલીસકર્મીઓ પર હુમલા થઈ રહ્યા છે. જે કોરોના વાઈરસને રોકવાની દિશામાં કાર્ય કરતા લોકો માટે અવરોધ સમાન છે.