નવી દિલ્હી: કોરોના વાઈરસના કારણે જાહેર કરાયેલા લોકડાઉન બાદ ટેલિકોમ ઓપરેટરો અને ઈન્ટરનેટ સેવાની મદદથી ચાલતા વ્યવસાયો માટે કોઈ ચાર્જ ન લેવાની માંગણી સાથે દિલ્હી હાઈકોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. આ અરજી એસ. કે. શર્મા દ્વારા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ઘણા ઉદ્યોગો લોકડાઉન દરમિયાન બંધ છે.
અરજદારે વકીલ અમિત શાહ દ્વારા દાખલ અરજીમાં જણાવાયું છે કે, લોકડાઉનને કારણે ઘણા ધંધા બંધ થઈ ગયા છે. આ ઉદ્યોગપતિઓએ લોકડાઉન દરમિયાન ફોન અને ઈન્ટરનેટનો પણ ઉપયોગ કર્યો નથી.
આ અરજીમાં માંગ કરવામાં આવી છે કે, આ ઉદ્યોગપતિઓ પાસેથી ફોન અને ઈન્ટરનેટ માટે કોઈ પૈસા ન લેવા માટે ઈન્ટરનેટ સેવા પ્રદાતાઓને માર્ગદર્શિકા જારી કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન દ્વારા કોરોના સામે લડવા માટે સ્થાપિત સહાય ભંડોળમાં આ રકમ ટ્રાન્સફર થવી જોઈએ.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કોરોનાને કારણે દરેક વ્યક્તિને અસર થઈ છે, ખાસ કરીને એવા લોકો કે જેઓ સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા નથી. હજારો લોકો છે, જેમને સંપૂર્ણ પગાર નથી મળી રહ્યો અને એવા ઘણા લોકો છે, જેઓ નોકરી ગુમાવી ચૂક્યા છે. અરજદારે ગત 19 એપ્રિલે ટેલિકોમ કંપનીઓ અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ સાથે વાત કરી હતી. ફોન અને ઈન્ટરનેટ કંપનીઓના GST માફ કરવામાંં આવે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, નાણાં મંત્રાલયને સૂચના આપવી જોઈએ કે, ફોન અને ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ દ્વારા લોકડાઉન દરમિયાન GST ન લગાવવો. દેશનો દરેક નાગરિક કોરોના વાઈરસ સામે લડવામાં પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સહકાર આપવા માંગે છે. તેથી તેમની પાસેથી લેવામાં આવેલા ફોન અને ઈન્ટરનેટ બિલની રકમ વડાપ્રધાન રાહત ભંડોળમાં જવી જોઈએ.