ન્યૂઝ ડેસ્કઃ દર વર્ષે માનસિક બિમારીમાં સતત વધારો થઇ રહ્યો છે, જે માટે વિવિધ કારણો જવાબદાર છે. પરંતુ, માનસિક આરોગ્યને પ્રભાવિત કરનારૂં એક ચોક્કસ અને દેખીતું કારણ કોરોના મહામારી છે. વાઇરસનો ચેપ લાગવાના ભયથી લઇને મહામારીને કારણે બેરોજગારી, નાણાંકીય કટોકટી, ભાવિ અનિશ્ચિતતા વગેરે જેવાં કારણોને કારણે વિશ્વના લગભગ તમામ લોકોમાં હતાશા, ચિંતા અને તણાવ વ્યાપી ગયાં હતાં. સાથે જ, પાર્કિન્સન્સ, અલ્ઝાઇમર્સ, ડિમેન્શિયા જેવી ન્યૂરોલોજિકલ બિમારીઓ ધરાવનારા લોકોને લોકડાઉન દરમિયાન દવાઓનો પૂરતો પુરવઠો ન મળી રહેતાં તેમણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, લગ્નજીવનમાં કલેશ અને ઘરેલૂ હિંસાના કિસ્સા પણ નોંધાયા હતા અને લોકો મદદ મેળવવા માટે સાઇકિઆટ્રિસ્ટ્સ પાસે દોડી ગયા હતા. આથી, આ વર્ષે લોકોને ભારે પ્રભાવિત કરનારી કેટલીક માનસિક સ્થિતિ અંગે અહીં ચર્ચા કરવામાં આવી છેઃ
તણાવ અને હતાશાના કેસોમાં વધારો
ચાલુ વર્ષના પ્રારંભ સાથે જ કોરોનાએ માથું ઊંચક્યું, તે સાથે જ કેસો વધવા માંડ્યા અને એક પછી એક દેશોમાં લોકડાઉનનો અમલ થા લાગ્યો, ત્યારે લોકોમાં તેમના આરોગ્યની સાથે આર્થઇક સ્થિતિ અંગે ચિંતા પેસવા માંડી હતી. ઉપરાંત, લોકડાઉન દરમિયાન, જ્યારે કોઇપણ પણ વ્યક્તિને ઘરની બહાર નિકળવાની છૂટ ન હતી, ત્યારે લોકોને તેઓ જેલમાં કેદ થઇ ગયા હોય, તેવું લાગવા માંડ્યું હતું. તેના કારણે લોકોની હતાશામાં પણ ઝડપથી વધારો થવા માંડ્યો.
આ ઉપરાંત, વાઇરસથી સંક્રમિત થયા હોય, તેવા લોકોમાં પણ હતાશાની પ્રમાણમાં ઘણો વધારો નોંધાયો હતો. દેશના સ્વાસ્થઅય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, કોરોનાના લગભગ 30 ટકા જેટલા દર્દીઓ ડિપ્રેશન અને ચિંતાથી પીડાતા હતા. આ સિવાય, લોકોએ ફરજિયાતપણે ઘરમાં રહેવાનું હોવાથી, ઘરના સભ્યોમાં પરસ્પર પ્રત્યેની નારાજગીને કારણે ઘરેલૂ હિંસા તથા પારિવારિક સંઘર્ષનું પ્રમાણ વધ્યું હતું. તેના કારણે પણ લોકોમાં તણાવ અને હતાશાની લાગણીમાં વધારો થયો હતો.
નવાઇ લાગે તેવી વાત એ છે કે, પુખ્તો ઉપરાંત બાળકો પણ ચિંતા (વ્યગ્રતા, બેચેની) અને ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. શાળા અને કોલેજો બંધ થવાના કારણે, ઓનલાઇન વર્ગો, ચોવીસે કલાક સતત ઘરમાં રહેવાનું ફરજિયાતપણું, વગેરે પરિબળોને કારણે ચિંતા, અસ્વસ્થતા, દબાણમાં વધારો, ડિપ્રેશન વગેરે જેવી સ્થિતિ ઉદ્ભવી હતી. આ પરિસ્થિતિ એટલી ચિંતાજનક હતી કે, ઘણી રાજ્ય સરકારોએ પહેલ કરીને બાળકો માટે ઓનલાઇન કાઉન્સેલિંગનાં સેશન્સ શરૂ કર્યાં હતાં.
આત્મહત્યાના કેસોમાં વધારો
પ્રાપ્ત આંકડાઓ અનુસાર, વિશ્વના લગભગ આઠ લાક લોકો અને આપણા દેશના આશરે 2-3 લાખ લોકો દર વર્ષે આત્મહત્યાનો માર્ગ અપનાવે છે. પણ આ વર્ષે 2020માં આત્મહત્યાની સંખ્યા લગભગ બેવડાઇ ગઇ હતી. આ પાછળનું કારણ ડિપ્રેશન, નિરાશા, અને અનિશ્ચિતતા હતી, જેના કારણે લગભગ તમામ વયનાં ઘણાં લોકોમાં આત્મહત્યા કરવાના વલણમાં ભારે વધારો થયો, જેમાં ફિલ્મ તથા ટીવીના કેટલાક લોકપ્રિય સ્ટાર્સનો પણ સમાવેશ થતો હતો. આત્મહત્યાના કેસોમાં વધારો થતાં રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે ઘણાં સાઇકિયાટ્રિસ્ટ્સ હતાશ અને નિરાશ તથા જીવનનો અંત આણવા ઇચ્છનારા લોકોને ઓનલાઇન કાઉન્સેલિંગ અને સાઇકિયાટ્રિક સલાહ ઓફર કરવા માટે આગળ આવ્યા હતા.
અગાઉથી સમસ્યા ધરાવનારા દર્દીઓની સ્થિતિ વધુ વણસી
ઘણા દેશોમાં સંપૂર્મ લોકડાઉન લાગુ હોવાને કારણે અલ્ઝાઇમર્સ, સ્કિઝોફ્રેનિયા, ડિમેન્શિયા અને પાર્કિન્સન્સ જેવી બિમારીથી પીડાતા લોકોને પૂરતા પ્રમાણમાં દવાઓ અને અન્ય તબીબી સુવિધાઓ ન મળવાને કારણે તેમના માટે સ્થિતિ વધુ કપરી બની હતી. આટલું ઓછું હોય તેમ, સાઇકિયાટ્રિક સંસ્થાઓ બંધ થઇ જવાથી અને દવાઓના અપૂરતા પુરવઠાને કારણે માનસિક બિમારીથી પીડાતા લોકોને યોગ્ય સારવાર મળવામાં મુશ્કેલી ઊભી થઇ હતી.
ઇન્સોમિયાના કેસોમાં વધારો નોંધાયો
ઘરે, કાર્ય સ્થળે અને અંગત જીવનમાં તણાવનું પ્રમાણ વધ્યું, તેના કારણે તમામ વયનાં લોકો ઇન્સોમિયાનો ભોગ બન્યા હતા. આ વર્ષના આંકડાઓ અનુસાર, ઇન્સોમિયાના દર્દીઓની સંખ્યા દસ ટકાથી વધીને ૩૩ ટકા થઇ હતી, આ વધારો ત્રણ ગણાથી પણ વધારે છે.
ફોબિયાના પ્રમાણમાં વધારો
આ વર્ષે, વિપરિત પરિસ્થિતિનું નિર્માણ થવાના કારણે લોકો વધુ ભયભીત થઇ ગયા હતા અને તેના કારણે તેઓ વિવિધ પ્રકારના ફોબિયાનો શિકાર બન્યા હતા, પછી તે કોઇપણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તેને સેનિટાઇઝ કરવાનો ફોબિયા હોય કે પછી ઘરની બહાર નિકળવાનો ભય સતાવતો હોય. લોકો ઘણા ડરી ગયા હતા, તે પાછળનું એક મોટું કારણ એ હતું કે, કોરોના એક જીવલેણ બિમારી છે.
આમ, આ વર્ષે લગભગ દરેક વ્યક્તિ વત્તા-ઓછા અંશે એક કે બીજા પ્રકારની હળવી કે ગંભીર માનસિક બિમારીનો ભોગ બની હતી. વાઇરસ ઘરમાં ન પ્રવેશે, તેની ખાતરી કરવા માટે લોકોમાં વારંવાર વસ્તુઓ સ્વચ્છ કરવાનું અને સેનિટાઇઝ કરવાનું વળગણ પણ થઇ ગયું હતું. લોકડાઉનનાં નિયંત્રણો હળવાં થઇ ગયાં હોવા છતાં મોટાભાગનાં લોકોએ ઘરે રહેવાનું જ પસંદ કર્યું, જેના કારણે તેઓ એકલતા અનુભવવા લાગ્યા. પરંતુ, 2021નું વર્ષ લોકોના ચહેરા પર સ્મિત લાવે, તેવી આશા છે.