શ્રીનગરઃ પાકિસ્તાન તેની 'નાપાક' હરકતો બંધ કરવાનું નામ નથી લઈ રહ્યું. પાક. સેના સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી ભારતીય સરહદમાં હુમલાઓ કરી રહી છે. સોમવારે ફરી જમ્મુ કાશ્મીર ઘાટીના પુંછ જિલ્લામાં મનકોટ સેક્ટરોમાં પાકિસ્તાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી સીમા પર ફાયરિંગ કર્યુ છે.
એક તો પાકિસ્તાન સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરી રહ્યું છે, બીજી તરફ ભારતીય સેનાની કાર્યવાહી પર વિરોધ નોંધાવી રહ્યું છે. રવિવારે પાકિસ્તાને ભારતના નાયબ હાઈ કમિશનર ગૌરવ આહલુવાલિયાને કમિશન ઓફ લાઇન પર ભારતીય સુરક્ષા દળો દ્વારા કથિત રીતે કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ અંગે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.
આ મામલે વિદેશ મંત્રાલયના એક નિવેદનમાં કહેવાયું છે કે મહાનિર્દેશક હાફિઝ ચૌધરીએ 20 જૂને હાજીપીર અને બેદૌરી સેક્ટરમાં ભારતીય સેના દ્વારા કરાયેલી જવાબી કાર્યવાહીનો વિરોધ નોંધાવ્યો હતો.
પાકિસ્તાને દાવો કર્યો છે કે, કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી વિના ભારત તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં તેના બે લોકોના મોત થયાં છે જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે.