ઇસ્લામાબાદ: પાકિસ્તાને અફઘાનિસ્તાનના તાલિબાન ઉપર અનેક આર્થિક પ્રતિબંધો લગાવી દીધા છે. આ પ્રતિબંધો તે સમયે તાલિબાન પર લાદ્યા છે જ્યારે અમેરિકાની આગેવાનીમાં પાડોશી રાષ્ટ્રમાં આતંકવાદી જૂથ સાથે શાંતિ પ્રક્રિયા ચાલી રહી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાને 88 પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો અને તેમના માસ્ટર સહિત હાફિઝ સઈદ, મસુદ અઝહર અને દાઉદ ઇબ્રાહિમ પર કડક નાણાકીય પ્રતિબંધો લગાવ્યા છે.
શુક્રવારે મોડીરાતે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રતિબંધમાં સામેલ લોકોમાં તાલિબાનના મુખ્ય શાંતિ વાર્તાકાર અબ્દુલ ગની બારાદર અને હક્કાની પરિવારના ઘણા સભ્યો સામેલ છે. આમાં હક્કાની પરિવારના સિરાજુદ્દીન સામેલ છે, જે હાલમાં હક્કાની નેટવર્કના વડા છે અને તાલિબાનના ઉપપ્રમુખ છે.
નામ ન આપવાની શરતે સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF) દ્વારા પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાનું ટાળવા માટે પાકિસ્તાન દ્વારા આ આદેશો જારી કરવામાં આવ્યા છે. FATF મની લોન્ડરિંગ પર અને આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ પર નજર રાખે છે. સૂચનામાં જાહેર કરાયેલા પ્રતિબંધો જમાત-ઉદ-દાવા, જૈશ-એ-મોહમ્મદ, તાલિબાન, દાએશ, હક્કાની જૂથ, અલ કાયદા અને અન્ય પર લાદવામાં આવ્યા છે.
માહિતી મુજબ, સરકારે આ સંગઠનો અને તેના સભ્યોની તમામ જંગમ અને સ્થાવર મિલકતો કબજે કરવા અને તેમના બેંક ખાતાઓ સીલ કરવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત સઇદ, અઝહર, મુલ્લા ફઝલુલ્લાહ (ઉર્ફે મુલ્લા રેડિયો), ઝકીઉર રહેમાન લખવી, મહંમદ યાહિયા મુજાહિદ, અબ્દુલ હકીમ મુરાદ, નૂર વાલી મહેસુદ, ઉઝ્બેકિસ્તાન લિબરેશન મૂવમેન્ટના ફઝલ રહીમ શાહ, તાલિબાન નેતાઓ જલાલુદ્દીન હક્કાની, ખલીલ અહમદ હક્કાની, દાઉદ ઈબ્રાહીમ અને તેના સાથીઓ સૂચિમાં છે.
સરકારે 18 ઓગસ્ટના રોજ બે સૂચનાઓ બહાર પાડીને 26/11ના મુંબઈ હુમલાના કાવતરાખોર અને જમાત-ઉદ-દાવાના માસ્ટર માઇન્ડ સઈદ, જૈશ-એ-મોહમ્મદના વડા અઝહર અને અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પર પ્રતિબંધો જાહેર કર્યા હતા. દાઉદ ઈબ્રાહીમ 1993ના બોમ્બ બ્લાસ્ટ બાદ ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદીની યાદીમાં છે.