ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં મહામારી ઝડપથી ફેલાઈ રહી છે. સરકારી આંકડાઓ મુજબ, 1 લાખ 42 હજાર સંક્રમિત છે. જ્યારે 2 હજાર 663 લોકોના મોત થયા છે. ઈમરાન ખાન સરકાર મહામારી રોકવામાં નિષ્ફળ સાબિત થઈ છે. પાકિસ્તાનમાં કોરોના વાઇરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે. એક જ દિવસમાં કોરોના ચેપના 5000થી વધુ નવા કેસ સામે આવ્યાં છે અને 97 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં દર્દીઓની કુલ સંખ્યા 1,40,000 વટાવી ગઈ છે.
મહત્વનું છે કે, પાકિસ્તાનમાં રવિવારે 6 હજાર 825 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન 80થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 51 હજાર 735 લોકો સાજા થયા છે. પાકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, છેલ્લા 24 કલાકમાં 29,085 લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં 8,97,650 લોકોની સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન મંત્રાલયના આંકડા મુજબ, પંજાબમાં 54,138, સિંધમાં 53,805, ખૈબર પખ્તુનખ્ખામાં 19,013, બલુચિસ્તાનમાં 8177, ઇસ્લામાબાદમાં 8569, ગિલગિટ બાલ્ટિસ્તાનમાં 1,129 અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં કોરોના ચેપના 647 કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 97 ચેપગ્રસ્ત લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જેનાથી દેશમાં 2,729 લોકો મૃત્યુ પામ્યા છે.
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં આયોજન પંચના પ્રધાન અસદ ઉમરે રવિવારે ચેતવણી આપી હતી કે, જુલાઈના અંત સુધીમાં કોરોના કેસ 12 લાખ સુધી પહોંચી શકે છે. આ સિવાય પાકિસ્તાનના પૂર્વ ડિપ્લોમેટ વાજિદ શમ્સ ઉલ હસનના જણાવ્યા મુજબ, સરકારની નિષ્ફળતાથી સૈન્ય નાખુશ છે. તમામ મોટા હોદ્દાઓ સૈન્યના મોટા અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. દેશમાં માર્શલ લો એટલે કે સૈન્ય શાસનની અધિકારિક જાહેરાત કરવાની જ બાકી છે.
નોંધનીય છે કે, વિશ્વમાં અત્યાર સુધીમાં 79,00,000થી વધુ લોકોને ચેપ લાગ્યો છે અને 4,30,000થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ આંકડા અમેરિકાના જોહન્સ હોપકિન્સ કોરોના વાઇરસ રિસોર્સ સેન્ટર દ્વારા શેર કરવામાં આવ્યાં છે.