કોવિડ-19 મહામારીને કારણે જીવનશૈલી બેઠાડુ થઈ ગઈ છે. દેશની લગભગ અડધોઅડધ વસ્તી ઘરેથી કામ કરી રહી છે, જેના પગલે રોજીંદા જીવન ઉપર ઘણી ખરાબ અસર થઈ છે અને જીવનશૈલી બદલાઈ ગઈ છે. આચરકુચર અને આડેધડ ખાનપાન, નિષ્ક્રિયતા અને ઘરની અંદર દિવસ-રાત તદ્દન આરામદાયક આળસભરી જિંદગીને કારણે લોકોના વજન વધી રહ્યા છે,જે ગંભીર ચિંતાનો વિષય હોવાનું ઈન્દોરની એપલ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડૉ. સંજય કે. જૈન (એમબીબીએસ, એમડી - મેડિસીન) જણાવે છે. તેઓ કહે છે કે “સ્થૂળતા એટલે વધુ પડતું વજન અને આ માપદંડ બોડી માસ ઈન્ડેક્સ (બીએમઆઈ) નક્કી કરે છે, જેમાં વ્યક્તિના શરીરના વજનના કિલોગ્રામનો તે વ્યક્તિની મીટર સ્ક્વેરમાં ઊંચાઈ વડે ભાગાકાર (kg/m2) કરવામાં આવે છે. આ રીતે આપણે સ્થૂળતાના વર્ગ કે શ્રેણી જાણી શકીએ છીએ, જે સામાન્ય રીતે ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત થાય છે.”
સ્થૂળતાનાં કારણો
ડૉ. સંજય જણાવે છે કે સ્થૂળતાનાં મુખ્ય બે કારણો છે ઃ
1. યોગ્ય આહાર ન લેવો અથવા વધુ પડતો ખોરાક લેવો
2. શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ
અન્ય પરિબળોમાં આનુવંશીય ભૂમિકા સામેલ છે, એટલે કે પરિવારમાં વારસાગત સ્થૂળતા હોય, કેટલાક અન્ય રોગો તેમજ તેના ઔષધો અથવા બિનઆરોગ્યપ્રદ જીવનશૈલી પણ સ્થૂળતા માટે જવાબદાર હોય છે.
“આજના આ મુશ્કેલ સમયમાં, જ્યારે આપણામાંથી મોટા ભાગના લોકો ઘરેથી કામ કરી રહ્યા છીએ, ત્યારે આપણે સવારે જાગીને સીધા સ્ક્રીન્સની સામે ગોઠવાઈ જઈએ છીએ. ઉપરાંત, જ્યારે આપણે સતત ઘરે જ હોઈએ છીએ ત્યારે આપણને વધુ ખાવાની લાલચ થાય છે કેમકે ઓફિસની જેમ કોઈ પાબંદીઓ હોતી નથી. આ ઉપરાંત, તણાવ-મુક્ત જીવનને કારણે તમે સંપૂર્ણ હળવાશ અનુભવો છો અને આ બધાને કારણે એક નહીં તો બીજી રીતે સ્થૂળતા વધે છે.” એમ અમારા નિષ્ણાત જણાવે છે. તેઓ ઉમેરે છે કે “મારી પાસે એવા દર્દીઓ આવ્યા છે, જેમનું વજન લોકડાઉન પછી ઘણું બધું વધી ગયું હોય.”
તે ક્યાં દોરી જશે ?
“સ્થૂળતા એ બીજી ઘણી બીમારીઓનો સ્ત્રોત છે”. આ બીમારીઓમાં સામેલ છે ઃ
• હાયપરટેન્શન
• ડાયાબિટીસ
• કોલ્સ્ટરોલનું વધુ પ્રમાણ
• ઓસ્ટિયોપોરાઈસીસ
• ઓસ્ટિયોઆર્થરાઈટિસ
• હૃદયની બીમારીઓ અથવા સ્ટ્રોક્સ
• કિડની નિષ્ફળ જવી
• પિત્તાશય (લીવર)ના કેન્સર જેવા કેટલાંક કેન્સર
- વધુ પડતું ખાવાનું ટાળો
ડૉ. સંજય જણાવે છે કે વધુ પડતું ખાવાનું ટાળવા માટે વ્યક્તિએ દિવસનું વ્યવસ્થિત સમયપત્રક બનાવીને તેને અનુસરવું જોઈએ. 24 કલાકના સમયપત્રકમાં ખોરાક માટેના યોગ્ય સમય સામેલ કરો અને બે ખોરાક વચ્ચેના સમયમાં આચરકુચર બિન આરોગ્યપ્રદ નાસ્તા ખાતા પોતાની જાતને અટકાવો. તમે એક દિવસ માટે અથવા તો સમગ્ર સપ્તાહ માટે સંપૂર્ણ ડાયટ પ્લાન પણ તૈયાર કરી શકો છો. તમે જો વધુ પડતું વજન ધરાવતા હો તો ડાયટિશિયનની સલાહ પણ લઈ શકો છો અને ઈચ્છો તો તમારા રોજિંદા આહારમાંથી વધારાની અનિચ્છિત કેલરીઝ ઘટાડી શકો છો. ડાયટિશિયન તમને આહારનો યોગ્ય ચાર્ટ આપશે.
પ્રતિકારશક્તિ વધારવાને નામે વધુ પડતો ખોરાક લેવો
અત્યારે સ્વાસ્થ્ય નિષ્ણાતો નોવેલ કોરોનાવાયરસ સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા ઉપર ભાર મૂકી રહ્યા છે, એટલે લોકો વધુ પ્રોટિન્સ, ફેટ્સ અને રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા ખોરાક લઈ રહ્યા છે. આ બાબતે અમારા નિષ્ણાત જણાવે છે કે “કોઈ પણ વસ્તુનો અતિરેક નુકસાન પહોંચાડે છે. આપણું શરીર તેને જે જરૂર છે, એટલું જ સ્વીકારે છે અને અપનાવે છે, બાકીનું ફેંકી દે છે. આમ છતાં, તમે જો તેને વધુને વધુ આપવાનું ચાલુ રાખો તો તે તમારા શરીરને નુકસાન કરી શકે છે.” એટલે, શરીરની જરૂરિયાતો અનુસાર જ ખોરાક લેવો આવશ્યક છે. વળી, હાલના દિવસોમાં બજારમાં અત્યંત સહેલાઈથી મળી જતાં આર્ટિફિશિયલ સપ્લીમેન્ટ્સ લેવાનું પણ ટાળવું જોઈએ. તેનાથી કેટલાક કોમ્પ્લિકેશન્સ ઊભાં થઈ શકે છે અને તે લેવાં સલાહભર્યાં નથી.
અનુસરણ માટેની ટિપ્સ
અમારા નિષ્ણાત દ્વારા અપાયેલી કેટલીક ટિપ્સ આ મુજબ છે ઃ
• વધુ પડતા ચરબીયુક્ત એટલે કે ઊંચો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવતા ખોરાક લેવાનું ટાળો. એટલે કે પિઝા, બર્ગર વગેરે જેવા રિફાઈન્ડ સુગર ધરાવતા ખાદ્ય પદાર્થો અથવા જેમાં વધુ પડતી ખાંડ હોય તેવા પદાર્થો લેવાનું ટાળો.
• સંતુલિત આહારને અનુસરો, જેમાં 50-55 ટકા કાર્બ્સ, 30 ટકા પ્રોટિન્સ, 15 ટકા ફેટ હોય. જો આ સંતુલન બગડશે તો સ્થૂળતાની સંભાવનાઓ વધી જશે.
• આહારમાં વધુ સલાડ અને લીલાં શાકભાજી સામેલ કરો, કેમકે તેમાં ફાયબર હોય છે અને કેલેરી ઓછી હોય છે.
• દરરોજ શારીરિક વ્યાયામ કરો. રોજ 45 મિનિટ ઝડપભેર ચાલવું હિતાવહ છે. પરંતુ જો અત્યારના કોવિડ-19 મહામારીના સંજોગોમાં તમે બહાર નીકળી શકતા ન હોય તો જગ્યા ઉપર જ જોગિંગ, દોરડા કૂદવા વગેરે કસરત કરી શકાય છે.
• તમે રોજ ઓછામાં ઓછી 30-45 મિનિટ યોગ, એરોબિક્સ કે અન્ય કોઈ પણ કસરતો કરી શકો છો.
• ખરાબ તણાવ અને ભાવનાત્મક ખાવાથી તમારી જાતને દૂર રાખો.
એટલે, લોકોએ પોતાના આહાર, જીવનશૈલી અને સ્થૂળતાનું કારણ બની શકે તેવાં અન્ય પરિબળો પ્રત્યે ખૂબ સાવચેત રહેવાની જરૂર છે. તેના ઉપર શરૂઆતથી જ અંકુશ કેળવી લેવો ખૂબ મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને, હાલ, જ્યારે તમે તમારો મોટા ભાગનો સમય ઘરે પસાર કરી રહ્યા છો, ત્યારે તમારી શારીરિક તંદુરસ્તીની કાળજી ગંભીરપણે લેવી જોઈએ, જેથી તમે માનસિક રીતે પણ સ્વસ્થ રહી શકો.