નવી દિલ્હીઃ દિલ્હી યુનિવર્સિટીમાં ઓપન બુક એક્ઝામના આયોજનની જાહેરાત થતાં એડમીટ કાર્ડ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેને પગલે યુનિવર્સિટીના લાખો વિદ્યાર્થીઓએ કાર્ડ ડાઉનલોડ કર્યાં હતા, પરંતુ સોફટવેરની ખામી તેમજ તંત્રની ગંભીર બેદરકારીને પરિણામે વિદ્યાર્થીઓની અંગત માહિતી લીક થઇ હોવાની અનેક ઘટનાઓ બની છે. જેને પગલે દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિરુદ્ધ FIR નોંધાવવામાં આવી છે.
આ ઉપરાંત દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓને ઇ-મેલ એડ્રેસ તથા ફોન નંબરો પણ લીક થતા અજાણ્યા નંબર પરથી ફોન આવી રહ્યા હોવાની અસંખ્ય ફરિયાદો ઉઠી છે.
તેમના નંબર પરથી બેન્ક ડિટેઇલ તથા અન્ય માહિતી પણ લીક થવાનો ભય છે. એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા દ્વારા આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતા લાખો વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડાં થઈ રહ્યા છે.
પરીક્ષાના સમયે જ આ પ્રકારની ઘટના સામે આવતાં વિદ્યાર્થીના માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે તેવી શક્યતાઓ છે. જેથી આ બાબતોને લઈને NSUI દ્વારા કુલપતિ વિરુદ્ધ કડક પગલાં લેવાની માગ કરવામાં આવી છે.