નવી દિલ્હી: કોરોના વાઈરસના કારણે લોકડાઉન થયા બાદ ત્યજી દેવાયેલા પ્રાણીઓને ખોરાક અને પાણી આપવા માટેની માર્ગદર્શિકા જારી કરવાની માગ કરતી અરજીની સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકારને નોટિસ જારી કરી છે. અરજીમાં જણાવાયું છે કે, આ પ્રાણીઓ એવા ખોરાક પર આધારીત છે જે કચરો, હોટલ, કેન્ટીન અને બજારમાં બચી ગયો હોય. પરંતુ હાલમાં કોરોનાના કારણે બજાર બંધ હોવાથી પ્રાણીએનો ખોરાકમાં મુશ્કેલી પડી રહી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉનને કારણે જે લોકો રખડતાં પશુઓને ખવડાવતા હતા તેઓ ઘરની બહાર નિકળી શકતા નથી. આને કારણે, આ પ્રાણીઓ ભૂખે મરી રહ્યા છે. ગરીબ અને જરૂરીયાતમંદોને ખોરાક પૂરા પાડવા માટે સરકાર પૂરતા પગલા લઈ રહી છે, પરંતુ આ પ્રાણીઓ માટે કોઈ પગલા લેવામાં આવી રહ્યા નથી.
પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે જો રખડતા પશુઓને ખોરાક આપવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં ન આવે તો પ્રાણીઓ ભૂખમરાથી મરી શકે છે. મોટી સંખ્યામાં સફાઇ કામદારો સફાઇ કામમાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં, જો પ્રાણીઓ મૃત્યુ પામે છે, તો કોઈ પણ તેમના મૃતદેહો લેશે નહીં અને તેનાથી બીજી મહામારી થઈ શકે છે. ઉપરાંત, જો રખડતા પ્રાણીઓ ખોરાકની શોધમાં અન્ય વિસ્તારોમાં જાય છે, તો તે મનુષ્ય પ્રત્યે આક્રમક વર્તન કરશે.
અરજીમાં જણાવાયું છે કે કેટલીક એનજીઓ અને સ્વયંસેવકો રખડતાં પશુઓને ખોરાક પૂરાં પાડે છે પરંતુ તેમની પાસે પૂરતા નાણાંનો અભાવ પણ છે. લોકડાઉન ઉલ્લંઘનના ડરથી એનજીઓ અને તેમના સ્વયંસેવકો રખડતા પશુઓને પૂરતા પ્રમાણમાં ખોરાક પૂરો પાડવા માટે અસમર્થ છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, રખડતા પ્રાણીઓ માટે ખોરાક અને પાણી આપવા માટે અદાલતે એનિમલ વેલ્ફેર બોર્ડને માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ.