નવી દિલ્હીઃ આર્થિક સંકટનો સામનો કરી રહેલી એર ઈન્ડિયા ફરી એકવાર સમાચારોમાં છે. આ પાછળનું કારણ પગાર કાપ અથવા નાણાકીય તંગી નથી. પરંતુ એર ઈન્ડિયા(Air India)એ કર્મચારીઓ માટે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
એર ઇન્ડિયાએ તેમના કર્મચારીઓ માટે ડ્રેસ કોડ બહાર પાડ્યો છે. કહેવામાં આવ્યું છે કે, ઓફિસમાં શોર્ટ્સ, ફાટેલી જીન્સ અથવા ટી-શર્ટ પહેરવાની મનાઈ છે. વેચવાના આરે આવેલી એર ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આ નિર્દેશથી લોકોને આશ્ચર્ય થાય છે.
એર ઇન્ડિયાએ મંગળવારે આ ડ્રેસ કોડ જાહેર કર્યો છે. એર ઇન્ડિયાના જનરલ મેનેજર-કર્મચારી (O) સાથિયા સુબ્રમણ્યમ દ્વારા સૂચિત આદેશમાં વધુમાં જણાવાયું છે કે, "દરેક કર્મચારી અમારી કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર છે. તેનો પોશાક કંપનીની છબીને અસર કરે છે." એવું કહેવામાં આવ્યું છે કે, "જે કર્મચારીઓ માટે યુનિફોર્મ સૂચવવામાં આવે છે તે કર્મચારીઓએ તેમાં જ આવવું પડશે. તે જ સમયે, જેની પાસે યુનિફોર્મ નથી, તેઓને કાર્યકારી વાતાવરણ અનુસાર યોગ્ય પોશાક પહેરવા પડશે."
હવે કાર્યકારી વાતાવરણ મુજબ યોગ્ય કપડાં શું છે, તે એર ઈન્ડિયા કંપની દ્વારા જણાવાયું છે કે, "કર્મચારીએ સારી રીતે તૈયાર થવું. શોર્ટ્સ, ટી-શર્ટ, જિન્સ, સ્લીપર્સ, સેન્ડલ, ફાટેલા જીન્સ, ફ્લિપ ફ્લોપ જેવા કેઝ્યુઅલ કપડાં પહેરવાની મનાઈ રહેશે. ખૂબ કડક, ખૂબ ઢીલા, ટૂંકા અને પારદર્શક કપડાં પહેરવાની મનાઈ રહેશે." આગળ જણાવવામાં આવ્યું છે કે, "જો કર્મચારીઓ એર ઇન્ડિયા ડ્રેસ કોડ મુજબ નહીં આવે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે." વધુમાં જણાવવામાં આવ્યું છે કે, "પુરુષોએ યોગ્ય ફોર્મલ ટ્રાઉઝર અને શર્ટ પહેરવા પડશે. મહિલા કર્મચારીઓએ ફોર્મલ ભારતીય અથવા પશ્ચિમી પોશાક પહેરશે."