શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં થયેલા એન્કાઉન્ટરમાં ચાર આતંકી માર્યા ગયા છે. આતંકીઓની ઓળખ થઇ શકી નથી. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યું કે, અમે લોકો એલર્ટ છીએ. તેને લીધે જ છેલ્લા 14 દિવસોમાં સુરક્ષાબળોએ 22 આતંકીઓને ઠાર માર્યા છે. માત્ર બે દિવસોમાં 9 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળો અને સંદિગ્ધ આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સોમવારે ચાર આતંકી ઠાર માર્યા છે. રાજ્યના ડીજેપી દિલબાગ સિંહે કહ્યું કે, સુરક્ષાબળ એલર્ટ છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન પોતાની ચાલમાં ક્યારેય સફળ થઇ શકશે નહીં.
દિલબાગ સિંહે કહ્યું કે, સુરક્ષાબળોએ છેલ્લા 14 દિવસોમાં 22 આતંકીઓને ઠાર માર્યા છે. માત્ર છેલ્લા બે દિવસોમાં જ 9 આતંકીઓ મોતને ભેટ્યા હતા.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાન ખોટી વાતો ફેલાવી રહ્યું છે.
તેમણે કહ્યું કે, પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં શાંતિથી ખુશ નથી અને એટલે જ તે આવી હરકતો કરે છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, પાકિસ્તાની મીડિયા અફવાઓ ફેલાવી રહ્યું છે. પાક ઇચ્છે છે કે, જમ્મુ-કાશ્મીરમાં તણાવ બન્યો રહે.
આજની ઘટના પર પોલીસના એક અધિકારીએ કહ્યું કે, દક્ષિણ કાશ્મીર સ્થિત શોપિયાના પિંજોરા વિસ્તારમાં આતંકીઓની ઉપસ્થિતિની સૂચના મળ્યા બાદ સુરક્ષાબળોએ વિસ્તારમાં ઘેરાબંધી અને તપાસ અભિયાનની શરુઆત કરી હતી.
તેમણે જણાવ્યું કે, આતંકીઓ તરફથી બળોના પ્રમુખ દળ પર ગોળીબાર કરવામાં આવ્યો અને સુરક્ષાબળોએ તેની સામે જવાબી કાર્યવાહી આપી હતી. જે બાદ તપાસ અભિયાન અથડામણમાં ફેરવાયું હતું. આ અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર માર્યા છે.
પોલીસે માર્યા ગયેલા આતંકવાદીઓની ઓળખનો ખુલાસો કર્યો નથી અને ન તો તેમના સંગઠનની કોઇ જાણકારી આપી છે. યુવાઓને આતંકવાદી સંગઠન સાથે જોડવાથી રોકવા માટે નવી નીતિ હેઠળ આમ કરવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં શોપિયા જિલ્લામાં આ બીજી અથડામણ છે.
જિલ્લાના રેબન વિસ્તારમાં સુરક્ષાબળો સાથે રવિવારે થયેલી અથડામણમાં હિજ્બુલ મુજાહિદ્દીનના સ્વઘોષિત કમાન્ડર સહિત પાંચ આતંકવાદીઓ માર્યા ગયા છે.