ભોપાલઃ મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં મધ્ય પ્રદેશ પ્રધાન મંડળનું વિસ્તરણ મંગળવારે થવાની સંભાવના છે. મળતી માહિતી મુજબ પ્રધાન મંડળનો વિસ્તાર આજે એટલે કે, મંગળવારે બપોરે કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, પ્રધાન મંડળનું કદ નાનું હશે અને હાલ તેમાં સામેલ થનારા પ્રધાનોની વાસ્તવિક સંખ્યાની જાણ થઇ શકી નથી.
ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલ પાંચ-છ સભ્યોનો સમાવેશ કરવામાં આવશે. આ પ્રધાનોમાં સિંધિયાના બે ધારાસભ્યો પણ શપથ લઇ શકે છે. આ પ્રધાનોમાં ગૃહ, પેયજળ, પીડબ્લ્યુડી, ગ્રામીણ વિકાસ અને સ્વાસ્થય મંત્રાલય આપવામાં આવી શકે છે.
આ પ્રધાનોમાં ખાસ પૂર્વ પ્રધાન નરોત્તમ મિશ્રા, ગોપાલ ભાર્ગવ, ભુપેન્દ્ર સિંહની સાથે જ સિંધિયાના સમર્થક પૂર્વ ધારાસભ્ય તુલસી સિલાવટ, પ્રદ્યુમન સિંહ તોમર અથવા ગોવિંગ રાજપુત પણ પ્રધાન પદના શપથ લઇ શકે છે. આ સાથે જ બિસાહૂ લાલ સિંહ પણ મંત્રી પદના શપથ લઇ શકે છે.
શિવરાજ સિંહ ચૌહાણે 23 માર્ચે ચોથી વાર મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન તરીકેના શપથ ગ્રહણ કર્યા હતા.
કોવિડ 19 મહામારીને લીધે લાગેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના એક દિવસ પહેલા ચૌહાણે એકલા જ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા હતા. તેના શપથના બીજા દિવસે એટલે કે, 24 માર્ચે લૉકડાઉન લાગુ થવાથી તે પ્રધાન મંડળનું ગઠન કરી શક્યા ન હતા.