કેન્દ્રીય ગુપ્તચર એજન્સીની ચેતવણીની ગંભીરતા સમજી ગુરૂવારે ચંપાાવટ SP ધીરેન્દ્ર ગુંજ્યાલે ભારત-નેપાળ સરહદની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત ઉત્તરાખંડમાં નેપાળ બોર્ડર સાથે જોડાયેલા તમામ જિલ્લાના પોલીસને પણ સાવચેત કરાયા છે. રેડ એલર્ટને પગલે SP ધીરેન્દ્ર ગુંજ્યાલે ગુરૂવારે ભારત-નેપાળ સરહદના સંવેદનશીલ વિસ્તારોની સ્થળ તપાસ કરી હતી.
ગુપ્તચર એજન્સીએ આપેલી માહિતી મુજબ, ચંપાવતમાં ભારત-નેપાળ સરહદથી ઘણા આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ કરી શકે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં રાખીને નેપાળ સરહદ પરની સુરક્ષાકર્મીઓની સંખ્યા વધારી પેટ્રોલિંગ સઘન કરાયું છે. સરહદ પર સેના સંખ્યામાં વધારો કરી સર્વેલન્સ પણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત શારદા બેરાજ ચેક પોસ્ટ પર ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બોર્ડર પરથી આવતા દરેક વ્યક્તિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આ સાથે વ્યવસાયિક અને ખાનગી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
અયોધ્યામાં હુમલો થવાની શક્યતા
બુધવારે ભારતીય ગુપ્તચર એજન્સીએ અયોધ્યામાં આતંકવાદી હુમલા અંગે એલર્ટ આપ્યું હતું. એજન્સીના અહેવાલ મુજબ આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો નેતા મસુદ અઝહર અયોધ્યામાં હુમલાની યોજના ઘડી રહ્યો છે.
ગુપ્તચર એજન્સી તરફથી મળેલી માહિતી અનુસાર આતંકવાદી મસૂદ અઝહરે રામ મંદિર બનાવવાની જાહેરાત થયા બાદ અયોધ્યા પર મોટો આતંકી હુમલો કરશે તેવી જાહેરાત કરી હતી.