કપરાડા તાલુકાના મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા સુથારપાડા ગામે હેલિકોપ્ટર મારફતે આવેલા સ્ટાર પ્રચારક નવજોત સિંહ સિદ્ધુને જોવા માટે અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વલસાડ અને ડાંગ જિલ્લાના કોંગ્રેસના ઉમેદવાર માટે પ્રચાર અર્થે આવેલા સીદ્ધુ પાજીએ જણાવ્યું કે, જ્યારથી મોદી સરકાર શાસનમાં આવી છે, ત્યારથી સમાચારો ખતમ થઈ ગયા છે. ખેડૂતો ખતમ થઈ ગયા છે. વ્યાપાર ખતમ થઈ ગયો છે. અને હવે ફરી પાછી જો આ સરકાર શાસનમાં આવશે તો નિશ્ચિતપણે દેશ ખતમ થઈ જશે.
અહીં મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું કે, મોદી સરકારમાં લોકોના પેટ ખાલી છે અને યોગા કરાવાય છે, ખિસ્સા ખાલી છે અને બેંકમાં ખાતું ખોલાવવું છે. જમવા માટે એક ટંક ભોજન નથી અને શૌચાલય બનાવાય છે. ગામડામાં વીજળી નથી ને ડિજિટલ ઇન્ડિયા બનાવવામાં આવી રહ્યું છે. દરેક કંપનીઓ વિદેશી છે અને મેક ઈન ઇન્ડિયા બનાવવામાં આવી રહ્યું છે. દિમાગમાં ધર્મ અને જાતિ અંગે ગંદકી છે અને સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવાય છે. તેમણે સ્ટેજ ઉપરથી ચીમકી ઉચ્ચારી હતી કે, આ તમામ નેતાઓના કપડા નહી ઉતારી દઉં અને પોતડી નહીં છોડી પાડું તો આ નવજોત સિંહ સિદ્ધુ નહીં નરેન્દ્ર મોદી સરકારે બે કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, પરંતુ જેવી સરકાર શાસનમાં આવી કે દર વર્ષે એક કરોડ દસ લાખ નોકરીઓ બંધ થઈ ગઈ છે.
વધુમાં તેમણે અહીં કહ્યું હતું કે, આ સરકાર પાસે જ્યારે કોઈ મુદ્દો બચતો નથી, ત્યારે લોકોને ગુમરાહ કરવાની વાત કરતી રહે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, 1970માં એક ક્વિન્ટલ અનાજની કિંમત ખેડૂતો માટે 70 રૂપિયા હતી. જ્યારે નોકરી કરતા શિક્ષકોનો પગાર ૯૦ રૂપિયા હતો જ્યારે આ શાસનકાળમાં શિક્ષકોનો પગાર માં 500 ઘણો વધારો થયો છે અને ખેડૂતના ઉત્પાદનની કિંમતમાં માત્ર 19 ઘણો વધારો નોંધાયો છે.
તેમણે મોદી સરકાર ઉપર રાફેલ ડીલ બાબતે પ્રહારો કરતા કહ્યું કે રાફેલનું વિમાન 500 કરોડનું હતું જેને પંદરસો કરોડમાં ખરીદ્યું અને જે હજાર કરોડ રૂપિયા બચ્યા હતા તે અંબાણીના ખિસ્સામાં નાખી દીધા છે. વર્તમાન સરકારે અંબાણીની કંપનીને ૩૦ હજાર કરોડનો ફાયદો કરાવ્યો છે તેમણે એમ પણ કહ્યું કે, પહેલી એવી સરકાર છે જેણે સુપ્રીમમાં જૂઠું બોલવું પડ્યું છે. તેમણે વ્યંગમાં કહ્યું કે, ઉડાવવાનું હતું રાફેલ વિમાન પરંતુ ઉડાવી દીધી તેની ફાઇલ તેમણે મોદી સમર્થનના નારાની પણ ઠેકડી ઉડાવી હતી... અબકી બાર ...બસ કર યાર...અબકી બાર ...બસ કર યાર.
નવજોત સિંહ સિદ્ધુએ જાહેર મંચ પરથી મોદી સામે પડકાર ફેંકતા કહ્યું કે, 2014ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે જે સંકલ્પ પત્રમાં ૩૪૬ વાયદાઓ કર્યા હતા. તે બાબતે અને રાફેલ મુદ્દે જો તેઓ મારી સાથે ડિબેટ કરે અને જીતી જાય તો તેઓ રાજનીતિ છોડી દેશે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુ અને તેના આગવા અંદાજમાં મોદી સરકાર ઉપર વ્યંગ અને કટાક્ષની સાથે પ્રહારો કર્યા હતા.