બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ગયા વર્ષે નાના પાટેકર પર છેડખાનીનો આક્ષેપ કર્યો હતો. આ બાબતે મુંબઈ પોલીસે નાના પાટેકર વિરુદ્ધ કોઈ પણ પુરાવા ન મળવાનું રટણ કરી તેમને ક્લીનચીટ આપી છે. ત્યારબાદ તનુશ્રીએ પોલીસ ભ્રષ્ટાચારી હોવાના આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યું છે કે 'એક ભ્રષ્ટ પોલીસદળ, કાયદો-વ્યવસ્થાએ તેનાથી વધારે ભ્રષ્ટ વ્યક્તિ નાના પાટેકરને ક્લીનચીટ આપી છે.' જ્યારે નાના પાટેકર પર બોલીવુડની કેટલીય મહિલાઓએ યૌન ઉત્પીડનના આરોપ લગાવ્યા છે.
નોંધનીય છે કે આ પહેલા પણ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે આ બાબતમાં પોલીસે નાના પાટેકરને ક્લીનચીટ આપી છે. જેને તનુશ્રીએ અફવાહ ગણાવી હતી.
તેમણે કહ્યું હતું કે, 'મીડિયામાં નાના પાટેકરને ક્લીનચીટ મળવાના ખોટા સમાચાર ચાલી રહ્યાં છે, હું સ્પષ્ટ કરું છુ કે મુંબઈ પોલીસે આ પ્રકારનું કોઈ નિવેદન જાહેર કર્યુ નથી'
શું છે સમગ્ર ઘટનાઃ
ગયા વર્ષે તનુશ્રીએ નાના પાટેકર પર છેડછાડના આક્ષેપ કર્યા હતા. તેમણે નાના પાટેકર પર ફિલ્મ 'હોર્ન ઓકે પ્લીઝ'ના સેટ પર ખોટી રીતે અડવાનો આક્ષેપ કર્યો હતો. તનુશ્રીએ કહ્યું હતુ કે 'નાના પાટેકરે મને ગીતના સ્ટેપ્સ શીખવવાના બહાને ટચ કર્યું હતુ, તેઓ મને ખૂબ જ ખરાબ રીતે ટચ કર્યું હતુ.'
તનુશ્રી દ્વારા ઉઠાવાયેલી આ બાબતમાં બોલીવુડની કેટલી અભિનેત્રીઓ સામે આવી હતી અને તેમણે પોતાની વિરુદ્ધની યૌન ઉત્પીડનની ઘટનાઓ રજૂ કરી હતી. બાદમાં ભારતમાં 'ME TOO' અભિયાનની શરૂઆત થઈ અને કેટલાય દિગ્ગજ નેતાઓ સહિત અભિનેતાઓ સામે યૌન ઉત્પીડનના આક્ષેપ થયા હતા.