લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મોડી સાંજે નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે ભાજપ કાર્યાલયથી કાર્યકર્તાઓ અને દેશના નાગરિકોનું સંબોધન કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, આજે આ જીત અને તેની ખુશીની ક્ષણમાં મેઘરાજા ખુદ સહભાગી થયા છે. 2019નો જનાદેશ દેશના નાગરિકોના હિતમાં આવ્યો છે. આજે અમે જોઈ રહ્યાં છે કે દેશના કોટી કોટી નાગરિકોએ આ ફકીરની ઝોલીને ભરી દીધી છે. હું ભારતના 120 કરોડ નાગરિકોનું શિશ ઝુકાવીને નમન કરું છું. લોકતાંત્રિક વિશ્વમાં 2019ની ચૂંટણીના મતદાનનો આંકડો એ સૌથી મોટી ઘટના છે. દેશ આઝાદ થયો ત્યારબાદની આ પ્રથમ ચૂંટણી છે જેમાં આટલા બહોળા પ્રમાણમાં મતદાન થયું છે અને તે પણ એવા સમયે જ્યારે અહીં 40થી 45 ડીગ્રી તાપમાન રહ્યું હતું. હું ભારતની પ્રજાની જાગૃતતા, પ્રતિબધ્ધતાને નમન કરું છું. આખાય વિશ્વએ આ વાતની ભારતના લોકતંત્ર અને લોકતંત્રના પાયાસમાન મતદારોની નોંધ લેવી પડશે. આખાય વિશ્વએ ભારતની લોકતાંત્રિક શક્તિને ઓળખવી પડશે. આ લોકતંત્રના ઉત્સવમાં જેમણે પોતાનું બલિદાન આપ્યું છે, તેમના પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરુ છું.
લોકતંત્રના ઈતિહાસમાં આ લોકતાંત્રિક મિશાલ આવનારી પેઢીઓને પ્રેરણા આપશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ચૂંટણીપંચ અને સુરક્ષાબળોનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે આટલી સુંદર રીતે ચૂંટણીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે. તેમણે મતદારોને શ્રી કૃષ્ણ સાથે સરખાવતા જણાવ્યું હતું કે, જેમ કૃષ્ણ ભગવાને મહાભારતમાં કોઈ પક્ષ માટે નહીં પરંતુ ફક્ત અને ફક્ત હસ્તિનાપુરના પક્ષમાં ઉભા હતા, તેમ આ ચૂંટણીમાં દરેક મતદારો ફક્ત અને ફક્ત ભારત માટે એક થઈને ઉભા છે. ભારતના નાગરિકોની ભાવના ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ ચૂંટણી કોઈ પક્ષ કે ઉમેદવાર નહીં પરંતુ ભારતનો સામાન્ય નાગરિક લડી રહ્યો છે. આ સાથે જ તેમણે વિજેતા બનેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી હતી. તેમજ દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે તેઓ કામ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે આ લોકસભાના વિજયને હિન્દુસ્તાનનો વિજય, લોકતંત્રનો વિજય અને પ્રજાતંત્રનો વિજય ગણાવ્યો હતો. આ ઉપરાંત, ભાજપની જીતને કાર્યકર્તાઓના ચરણમાં સમર્પિત કરી હતી.
પોતાના સંબોધનમાં તેમણે અન્ય રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં વિજેતા બનેલા પક્ષો અને આવનાર સમયમાં મુખ્યમંત્રી બનનાર તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ કેન્દ્ર સરકાર તે રાજ્યોના વિકાસમાં સંપૂર્ણ રીતે સહયોગી બનશે તેવી બાહેંધરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકતંત્રનો ઝંડો ઉંચો રાખવા માટે દિલથી આ ઉત્સવમાં જોડાયા છે. મને ગર્વ છે કે, હું જે પક્ષમાં છું તે પક્ષના કાર્યકર્તાઓ આટલા દિલદાર છે.
ભાજપની વિશેષતા જણાવતા તેમણે કહ્યું હતું કે, આ એ પક્ષ છે જે ક્યારેક બે બેઠકો પર હતો અને આજે બીજી વખત સંપૂર્ણ બહુમત સાથે ચૂંટાઈ આવ્યો છે. જ્યારે પક્ષ બે બેઠકો પર હતો ત્યારે પણ તેઓ પોતાના માર્ગ પરથી વિચલીત નથી થયા, અટક્યા નથી અને થાક્યા નથી. તેમનો પક્ષ ક્યારેય વિવેક અને આદર્શ નહીં છોડે તેમ પણ ઉમેર્યું હતું.
પોતાની જીતને તેમણે દેશના સામાન્ય નાગરિક જે ઈમાનદાર છે, ટેક્સ ચુકવે છે. આ ઉપરાંત, ખેડૂત, મધ્યમ વર્ગ, શોષિત અને જેમણે છેલ્લા પાંચ વર્ષમાં સરકાર પાસેથી કંઈક મેળવ્યું છે તેમની જીત ગણાવી હતી.
દેશવાસીઓએ તેમની ઉપર મૂકેલો વિશ્વાસ ક્યારેય તૂટવા નહીં દઉં. તેમજ ખોટા ઈરાદા અને ખોટી નિયતથી કામ નહીં કરું તેમ કહ્યું હતું. દેશવાસીઓએ તેમને ખૂબ મોટી જવાબદારી આપી હોય તે તે જવાબદારીને નિભાવશે તેમ કહ્યું હતું. અંતમાં તેમણે ભાજપ પ્રમુખથી માંડી બૂથ પરના કાર્યકર્તાઓ અને પેજ પ્રમુખો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.