ન્યૂઝ ડેસ્કઃ 21 માર્ચે અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન સ્ટિફન બિગને ટેલિ કૉન્ફરન્સ કોલ માટેની પહેલ કરી તેમાં ભારતના વિદેશ સચિવ હર્ષ શ્રૃંગલા પણ જોડાયા હતા. ટેલિ કૉન્ફરન્સ માટે અમેરિકાએ આગેવાની લીધી તેમાં ઓસ્ટ્રેલિયા, દક્ષિણ કોરિયા, વિયેતનામ, ન્યૂ-ઝિલેન્ડ, જાપાન સાથે ભારત પણ જોડાયું હતું.
COVID-19નો સામનો કઈ રીતે કરી શકાય તે માટે ઇન્ડો-પેસિફિક દેશો માટેની આ મૌખિક પરિષદ હતી. કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ શું છે તેના પર ચર્ચા કરવામાં આવી હતી અને તેને ફેલાતો અટકાવવા માટે પ્રાદેશિક અને વૈશ્વક ધોરણે કેવા સહિયારા પ્રયાસો કરી શકાય તેની ચર્ચા કૉન્ફરન્સ કોલમાં કરવામાં આવી હતી.
ભારતના વિદેશ મંત્રાલયને સત્તાવાર રીતે જાહેર કરેલી અખબારી યાદીમાં જણાવ્યું હતું કે “વિદેશ સચિવ શ્રૃંગલાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારત દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ અને પ્રાદેશિક કક્ષાએ કેવા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે તેની માહિતી આપી હતી. આ વિસ્તારના સાથી દેશો સાથે નિયમિત રીતે વિગતોની આપલે કરવા માટે ભારત તૈયાર છે અને પડકારને પહોંચવી મળવા સૌ સાથે મળીને કામ કરવા તૈયાર છે તે વાત પણ તેમણે સૌને જણાવી હતી.”
વેક્સીન તૈયાર કરવામાં સહયોગી, ફસાઇ ગયેલા નાગરિકોને મદદ કરવા માટેના પ્રયાસો, જે દેશોને મદદની જરૂર હોય તેમને પહોંચાડવી અને આર્થિક રીતે વૈશ્વિક અર્થતંત્રને થનારા નુકસાનને ઘટાડવા માટે પ્રયાસો કરવો એ ઉદ્દેશ સાથે આ કૉન્ફરન્સ યોજાઈ હતી. દર અઠવાડિયે આ પ્રકારની કૉન્ફરન્સ થાય અને માહિતીનું આદાનપ્રદાન થાય તેવી શક્યતા પણ છે.
21 તારીખે ભારતના કુટુંબ કલ્યાણ અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ બીજી પણ એક કૉન્ફરન્સમાં ચીનના અધિકારીઓ સાથે આ વિષય પર ચર્ચાઓ કરી હતી. આ અઠવાડિયે કોરોનાના નવા કેસ ના આવ્યા હોવાનો દાવો ચીને કર્યો છે. તેના કારણે ચેપને કાબૂમાં લઈ શકવાની આશા અને વિશ્વાસ દુનિયાભરના નાગરિકોને જાગ્યો છે.
15 માર્ચે સાર્કના દેશો સાથે કરવામાં આવેલી વીડિયો કૉન્ફરન્સમાં કેટલાક સૂચનો થયા હતા. તે સૂચનોને આગળ વધારવા માટે તથા અન્ય બાબતમાં સંકલન માટે વિદેશ સચિવ શ્રૃંગલાને જ જવાબદારી સોંપવામાં આવી છે. 15 માર્ચની કૉન્ફરન્સમાં સભ્ય દેશોના વડાઓએ ભાગ લીધો હતો અને માત્ર પાકિસ્તાનના વડા પ્રધાનના બદલે તેમના આરોગ્ય પ્રધાને હાજરી આપી હતી.
ભારતે દરખાસ્ત કરી હતી કે ચેપી રોગચાળા માટે એક ફંડ ઊભું કરવામાં આવે. તે માટે ભારત તરફથી 10 મિલિયન ડૉલરની પ્રારંભિક મૂડી માટે તૈયારી બતાવાઇ હતી. સાથે જ માલદીવ્સ અને ઇરાન તરફથી થયેલી વિનંતી પ્રમાણે પડોશી દેશોમાં તાકિદે મેડિકલ ટીમ મદદ માટે મોકલવા અંગે પણ ચર્ચા થઈ હતી.
વડાપ્રધાન મોદીએ સાઉદી અરેબિયાના પાટવીકુંવર મોહમ્મદ બીન સલમાન સાથે 17 માર્ચે વાત કરી હતી અને સૂચન કર્યું હતું કે આ જ પ્રકારની એક વર્ચ્યુઅલ વૈશ્વિક પરિષદ G20 દેશોના વડાઓ વચ્ચે થવી જોઈએ.
સાઉદી અરેબિયા હાલમાં G20 દેશોના સંગઠનમાં પ્રમુખ સ્થાને છે અને 2022માં ભારતમાં આ સંગઠનની શીખર પરિષદ યોજવાનું આયોજન છે. આ દેશો વચ્ચે કોરોના મુદ્દે સહકાર માટે ચર્ચાનું સૂચન ભારતે કર્યું છે.
આ વાતચીત બાદ રિયાધ ખાતેથી સાઉદી સરકારે સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે, “આંતરરાષ્ટ્રીય સંસ્થાઓની સાથે મળીને G20 સંગઠન મહામારીને ફેલાતી અટકાવવા માટે જરૂરી બધા જ પ્રયાસો કરશે. નાગરિકોની સુરક્ષા કઈ રીતે થઈ શકે તે માટે G20 દેશોના નેતાઓ સંયુક્ત નીતિઓનો મુસદ્દૌ મૂકશે અને સાથે વૈશ્વિક અર્થતંત્રને બચાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે.”
“G20 દેશોના નાણાં પ્રધાનો અને સંસ્થાની મધ્યસ્થ બેન્કના ગવર્નર્સ, આરોગ્ય, વેપાર અને વિદેશ વિભાગના સિનિયર અમલદારો વચ્ચે થયેલી વાતચીત અને દરખાસ્તોને આગળ વધારવા અને નક્કર જરૂરિયાતો અને પગલાં માટે શીખર પરિષદમાં વાટાઘાટો થશ,” એમ રિયાધથી પ્રગટ થયેલા નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.
કોરોના વારયસના ફેલાવાના કારણે આવી પડેલી આર્થિક આપત્તિ તથા તેના કારણે નાગરિકોને પડી રહેલી હાલાકી વિશે ચર્ચા કરવા માટેની આવી વર્ચ્યુઅલ શીખર પરિષદ આગામી થોડા દિવસોમાં યોજાશે તેમ પણ નિવેદનમાં જણાવાયું હતું.
-સ્મિતા શર્મા, નવી દિલ્હી